મારો જન્મ મુંબઈમાં થયો છે, હું ઘણી વાર શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં આરતી કરવા આવતો

28 May, 2025 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના દોઢસો વર્ષ નિમિત્તે આવેલા અમિત શાહે કહ્યું... : વિરોધીઓને નિશાના પર લેતાં કહ્યું કે મોદીએ એક ચુટકી સિંદૂરની કિંમત વિશ્વને બતાવી દીધી,પણ હજી કેટલાક લોકોને સિંદૂરનું મહત્ત્વ સમજાયું નથી

માધવબાગમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહેલા અમિત શાહ.

દક્ષિણ મુંબઈમાં સી. પી. ટૅન્ક વિસ્તારના માધવબાગમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગઈ કાલે ૧૫૦મી જયંતીના ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહે વિરોધીઓને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑપરેશન સિંદૂરના માધ્યમથી એક ચુટકી સિંદૂરનું મહત્ત્વ આખી દુનિયાને બતાવી દીધું. પાકિસ્તાન પરની કાર્યવાહી બાદ સિંદૂર શબ્દ દુનિયાભરમાં ૧૦ કરોડ લોકોએ સર્ચ કર્યો, પણ હજી કેટલાક લોકોને સિંદૂરનું મહત્ત્વ સમજાયું નથી. આ લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે શું કર્યું છે એવો સવાલ કરી રહ્યા છે. તેમને કહેવું છે કે મોદીએ GDP ૧૦થી ચોથા નંબરે લાવી દીધો છે. આપણી સુરક્ષાને તોડવાનો પ્રયાસ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. વડા પ્રધાનના નેતૃત્વમાં દેશની સુરક્ષા મજબૂત બની છે. આપણે આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપ્યો છે. મને ફ્રાન્સના ડિપ્લોમેટ મળ્યા હતા. મેં તેમને છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં શું બદલાયું છે એ વિશે પૂછ્યું ત્યારે તેમણે ભારતના પાસપોર્ટની કિંમત વધી હોવાનું કહ્યું. આજે આપણે કોઈ પણ દેશમાં જઈએ છીએ ત્યારે હસતા મોઢે સ્વાગત કરવામાં આવે છે. મોદીએ ૫૫૦ વર્ષ તંબુમાં રહેલા પ્રભુ શ્રીરામને મંદિરમાં બિરાજમાન કરાવ્યા, કાશી વિશ્વનાથ કૉરિડૉર બનાવ્યો, યોગ અને આયુર્વેદને વિશ્વમાં પહોંચાડ્યા. આ બધાં પરિવર્તન નરેન્દ્રભાઈ લાવ્યાં.

ગઈ કાલે માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે.

૧૫૦ વર્ષ કોઈ સંસ્થાને ચલાવવી સરળ નથી. મુંબઈમાં આટલી મોટી સંસ્થા સફળતાથી ચલાવવા બદલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓને ધન્યવાદ. ૧૮૭૫માં મુંબઈના મધ્યમાં અંગ્રેજોના શાસનમાં આવી સંસ્થાની સ્થાપના કરવી સરળ નહોતી. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે મારો જન્મ મુંબઈમાં થયો છે. હું આ મંદિરમાં અનેક વખત આરતી કરવા આવતો. એ સમયે અહીં એક વાડો હતો, એક હૉલ હતો. આ હૉલમાં લગ્નસમારંભ માટે મામૂલી ફી લેવામાં આવતી. ‍૧૫૦ વર્ષમાં આ સંસ્થાએ સેંકડો મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી દૂર કરી છે. લક્ષ્મીનારાયણ મંદિરમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. અહીં શિક્ષા, ભગવદ્ગીતાનો અભ્યાસ અને એક સમયે સંસ્કૃતની સ્કૂલ પણ ચાલતી હતી. આ મંદિરમાં માતૃભાષાને પ્રોત્સાહન આપવા તેમ જ પવિત્ર ભગવદ્ગીતા અને ઉપનિષદોના અભ્યાસ માટેનું કેન્દ્ર બનાવવું જોઈએ.’

અનાદિ મી, અનંત મી...

વીર સાવરકરે મરાઠી ભાષામાં લખેલા અમર ગીત ‘અનાદિ મી, અનંત મી...’ને સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણાગીત પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વીર સાવરકરના પરિવારને ગઈ કાલે બે લાખ રૂપિયાનો ચેક અને મેમેન્ટો આપીને સન્માનિત કર્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં આ સમયે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કૅબિનેટ પ્રધાન આશિષ શેલાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

amit shah devendra fadnavis eknath shinde narendra modi operation sindoor indian government culture news religious places religion hinduism news mumbai news mumbai