16 May, 2025 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ પાસડ
મુલુંડ-વેસ્ટમાં રહેતો સેન્ટ્રલ બોર્ડ ઑફ સ્કૂલ એજ્યુકેશન (CBSE)ની શેઠ કરમશી કાનજી ઇંગ્લિશ સ્કૂલનો વિદ્યાર્થી રાજ પાસડ બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૯૯.૪ ટકા મેળવીને મુંબઈ જિલ્લામાં ટૉપર બન્યો છે તેમ જ મહારાષ્ટ્રમાં બીજા નંબરે આવ્યો છે. પહેલેથી જ ભણવામાં હોશિયાર હોવાથી રાજ એક વાર જે ભણે એ તેને યાદ રહી જાય અને ફરીથી એ ટૉપિક ભણવો ન પડે એવી તેની શાર્પ મેમરી છે. ભણવામાં હોશિયાર હોવાની સાથે જૈન ધર્મમાં પણ રાજ ખૂબ આગળ છે. સવારે છ વાગ્યે ઊઠી પૂજા કરીને જ સ્કૂલમાં જવાનો રાજનો નિયમ છે. અત્યારે પણ તે પાલિતાણાની ૯૯ યાત્રા કરવા ગયો છે એટલે હરખ કરવા ક્યારે પાલિતાણા પહોંચી જઉં એવું ઉત્સાહ અને અધીરાઈથી તેની મમ્મી હેતલ પાસડે ‘મિડ-ડે’ને કહ્યું હતું.
રાજ તેની સફળતાનું રહસ્ય જણાવતાં કહે છે, ‘સેલ્ફ-સ્ટડીમાં હું વધુ ટાઇમ નહોતો આપતો, કારણ કે હું સ્કૂલ અને ક્લાસિસમાં જે શીખતો એ મને યાદ રહી જતું હતું. એના માટે મારા પેરન્ટ્સનો પણ આભાર કે તેમણે મને ભણવાનું કોઈ પ્રેશર ન આપ્યું. હું માનું છું કે દરેક સ્ટુડન્ટે સ્ટ્રેસ લીધા વગર જ ભણવું જોઈએ. ભણવાના સ્ટ્રેસથી મેમરી સ્લો થઈ જાય છે. માર્ક્સ લાવવાના પ્રેશર વગર ભણીએ તો બધું જ સરળતાથી સમજાઈને યાદ રહે છે. બીજી જરૂરી વાત એ છે કે નાઇન્થ સુધી જે સ્ટડી-પૅટર્નથી ભણ્યા હો એ જ ટેન્થમાં પણ અપનાવો. પોતાને બદલવાની કોઈ જરૂર નથી. તમારું માઇન્ડ નવી મેથડમાં ઍડ્જસ્ટ નહીં થાય તો તમારો પર્ફોર્મન્સ બગડશે. પેરન્ટ્સને એટલું કહેવાનું કે સ્ટુડન્ટ્સને કોઈ પ્રેશર ન આપશો અને સ્ટુડન્ટસને કહેવા માગું છું કે પેરન્ટ્સ સ્ટ્રેસમાં આવી જાય એવાં કામ ન કરશો.’
|
માર્કશીટ |
|
|
ઇંગ્લિશ |
૯૯ |
|
સંસ્કૃત |
૧૦૦ |
|
મૅથેમૅટિક્સ |
૧૦૦ |
|
સાયન્સ |
૧૦૦ |
|
સોશ્યલ સાયન્સ |
૯૮ |
|
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ |
૧૦૦ |
રાજના પપ્પા બિપિન પાસડ અકાઉન્ટન્ટ છે. તેઓ કહે છે, ‘કોઈ ફિક્સ ટાઇમટેબલ બનાવ્યા વગર જ્યારે ઇચ્છા થાય ત્યારે રાજ ભણવા બેસતો. પહેલેથી જ તેનો બેઝ પાકો છે. એવું પણ નથી કે તે આખો દિવસ ભણ્યા ક રે છે. તે ફુટબૉલ અને ક્રિકેટનો પણ શોખીન છે. તેની એક્ઝામના એક દિવસ અગાઉ જ તેના દાદા નવીનચંદ્ર ગુજરી ગયા હતા એટલે તે થોડો અપસેટ હતો. તેના દાદાનું જ સપનું હતું કે રાજ સ્કૂલમાં ફર્સ્ટ આવે. દાદાનો લાડકવાયો હોવાથી અમને લાગ્યું કે રાજ એક્ઝામ બરાબર નહીં આપી શકે, પણ મન મક્કમ કરીને તેણે એક્ઝામ આપી અને આટલા સારા માર્ક્સ લાવ્યો એનો અમને ગર્વ છે. જોકે આખા મુંબઈમાં તે ટૉપ કરશે એવો સપનામાં પણ ખ્યાલ નહોતો. એની ખુશી વ્યક્ત કરવા તો શબ્દો પણ નથી અમારી પાસે.’
રાજને સાયન્સ સ્ટ્રીમમાં આગળ ભણીને એન્જિનિયર બનવાની ઇચ્છા છે.