માર્કેટ જઈને શાક લાવ્યાં અને સુધાર્યું, ભાત પણ મૂક્યો અને એ પછી પંખે લટકીને જીવ આપી દીધો

16 April, 2024 06:54 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડનાં ગુજરાતી મહિલાની અકળ આત્મહત્યાઃ સુસાઇડ-નોટ નથી લખાઈ એટલે પોલીસ નયના ચુડાસમાનો મોબાઇલનો રેકૉર્ડ ચેક કરી રહી છે

નયનાબહેન ચુડાસમા

મુલુંડ-વેસ્ટમાં ચેકનાકા પાસે આવેલા લકી બિલ્ડિંગમાં રહેતાં ૪૪ વર્ષનાં નયના ચુડાસમાનો શનિવારે સાંજે ઘરમાંથી જ ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતાં પરિવારજનો સહિત પાડોશીઓને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે તેમણે અંતિમ પગલું શા માટે ભર્યું?

પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી અને તેમને આત્મહત્યા કરવા માટે કોઈ કારણ નહોતું એવું પરિવારજનોએ પોલીસને કહ્યું હોવાથી પોલીસ હવે નયનાબહેનના મોબાઇલ-રેકૉર્ડ ચેક કરી કરી રહી છે.

શનિવારે સાંજે પાંચ વાગ્યે ભાભી ઘરેથી નીકળ્યાં હતાં એમ જણાવતાં નયનાબહેનના દિયર જિતુ ચુડાસમાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારી ભત્રીજી સેજલ સ્વિમિંગ માટે જતી હતી ત્યારે તેની સાથે ભાભી પણ શાકભાજી લેવા નીકળ્યાં હતાં. જોકે રાતે સાડાઆઠ વાગ્યે મારો ભત્રીજો ગૌતમ ઘરે આવ્યો ત્યારે ઘણી વાર સુધી દરવાજો ખખડાવ્યા છતાં ન ખૂલતાં આખરે મિત્રોની મદદથી તેણે દરવાજો તોડ્યો હતો. ઘરમાં દુપટ્ટાના સહારે ભાભીને પંખા પર લટકેલાં જોઈને ગૌતમ ત્યાં જ બેભાન થઈ ગયો હતો. દરમ્યાન પાડોશીઓ ભાભીને તરત હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત્યુ પામેલાં જાહેર કર્યાં હતાં.’

જિતુભાઈએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમને પછીથી ખબર પડી હતી કે ભાભી જ્યારે શાક લેવા ગયાં હતાં ત્યારે તેમને રસ્તામાં એક બહેનપણી મળી હતી. તેણે જ્યારે વાત કરવા માટે ભાભીને રોક્યાં ત્યારે ભાભી ‘આજે ઘરે બહુ કામ છે’ કહીને આગળ નીકળી ગયાં હતાં. ઘરે આવીને તેમણે ભાત મૂક્યો હતો અને શાક પણ સુધારી રાખ્યું હતું. ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. મારો ભાઈ કમલેશ થાણેમાં ટેલરિંગ કરે છે, ભત્રીજો ગૌતમ સારી કંપનીમાં નોકરી કરે છે અને ભત્રીજી પણ સારું ભણી રહી છે. એકાએક તેમના મનમાં એવું તે શું આવ્યું કે તેમણે આવું અંતિમ પગલું ભરવું પડ્યું એ અમને સમજાતું નથી. અમને આ સવાલ સતાવી રહ્યો છે.’

આ કેસમાં નયના ચુડાસમાનો મોબાઇલ લઈને અમે માહિતી ભેગી કરી રહ્યા છીએ એવું જણાવતાં થાણેના શ્રીનગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન હંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલમાં આ કેસમાં આક‌સ્મિક મૃત્યુની નોંધ કરીને પતિ અને બાળકોનાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં છે.

mumbai news mumbai mulund gujaratis of mumbai suicide mumbai crime news