શિવાજી પાર્કમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે ઉદ્ધવ ઠાકરે

28 November, 2019 09:15 AM IST  |  Mumbai

શિવાજી પાર્કમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે આજે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્ક મેદાનમાં શપથ લેવાના છે ત્યારે હાઈ કોર્ટે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ પ્રશાસનને પૂરતાં પગલાં લેવા જણાવ્યું છે. હાઈ કોર્ટે કહ્યું છે કે તમારે સિક્યૉરિટીની ગોઠવણ કરવી પડશે, તમે લોકોને જોખમમાં ન મૂકી શકો. કોર્ટે વધુમાં એવી પણ ટકોર કરી છે કે શિવાજી પાર્કમાં આવાં ફંક્શન અવારનવાર ન યોજાવાં જોઈએ. 

વેલકમ ટ્રસ્ટ દ્વારા એક જનહિતની અરજી કરાઈ છે, જેમાં પુછાયું છે કે શિવાજી પાર્ક રમતગમત માટેનું મેદાન છે કે રિક્રીએશન ગ્રાઉન્ડ? એ સંદર્ભે હાઈ કોર્ટના જસ્ટિસ એસ. સી. ધર્માધિકારી અને આર. આઇ. ચાગલાની બેન્ચે આ બાબતે કહ્યું હતું કે સમારોહ વિશે અમારે કંઈ કહેવું નથી, પણ અમારી ચિંતા એટલી જ છે કે કશું અનિચ્છનીય ન બને એ માટે પ્રાશસન પૂરતી સુરક્ષા રાખે. જોકે કોર્ટે વધુમાં એમ પણ કહ્યું હતું કે જો બધા જ આનો (શિવાજી પાર્ક ગ્રાઉન્ડનો) અવારનવાર ઉપયોગ કરશે અને ફંક્શનો ગોઠવશે તો શું થશે? હાલના સમારોહ માટે બુધવારથી જ મંડપ બાંધવા બામ્બુ અને અન્ય સામગ્રી આવી જશે એથી રમતગમત માટે મેદાન વાપરી નહીં શકાય. ગુરવારે સમારોહ હોવાથી એ મેદાન બાળકોને રમવા નહીં મળે. આમ એક સમારોહ માટે બે દિવસ સામાન્ય લોકો એનો વપરાશ નહીં કરી શકે.

આ પણ વાંચો : મુંબઈ: બોરીવલીના બે ગુજરાતી બેસ્ટ ફ્રેન્ડ્સે જીવ ગુમાવ્યો

શિવાજી પાર્ક સાઇલન્સ ઝોનમાં આવે છે. સત્તાવાર રીતે ત્યાં માત્ર ૩ કાર્યક્રમ ૬ ડિસેમ્બર (ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ), ૨૬ જાન્યુઆરી (પ્રજાસત્તાક દિનની ઉજવણી) અને ૧ મે (મહારાષ્ટ્ર સ્થાપના દિન)ની ઉજવણી કરવા જ અપાય છે. જોકે એ પછી રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ વર્ષના અન્ય ૪૫ દિવસ ત્યાં રમતગમત સિવાયની પ્રવૃત્તિ કરી શકાય એ માટે ફાળવ્યા છે.

uddhav thackeray mumbai news shiv sena congress