Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: બોરીવલીના બે ગુજરાતી બેસ્ટ ફ્રેન્ડ્સે જીવ ગુમાવ્યો

મુંબઈ: બોરીવલીના બે ગુજરાતી બેસ્ટ ફ્રેન્ડ્સે જીવ ગુમાવ્યો

28 November, 2019 07:56 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

મુંબઈ: બોરીવલીના બે ગુજરાતી બેસ્ટ ફ્રેન્ડ્સે જીવ ગુમાવ્યો

વૉટ્સઍપ પરનું અનિલ અને સાગરનું સ્ટેટસ.

વૉટ્સઍપ પરનું અનિલ અને સાગરનું સ્ટેટસ.


બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ-નંબર ૩ પર આવેલા સાંઈધામની સામેની જ ચાલીમાં રહેતા બે જીગરજાન મિત્રો ૨૭ વર્ષના અનિલ દિલીપ વાઘેલા અને ૨૪ વર્ષના સાગર પ્રકાશ પટેલે મંગળવારે રાતે ૯ વાગ્યે જ પોતપોતાના મોબાઇલ પર વૉટ્સઍપના ડીપી બદલાવ્યા હતા. બન્નેએ તેમનો સાથેનો ફોટો મૂક્યો હતો અને સ્ટેટસ અપડેટ કરતાં લખ્યું હતું ‘વોટ ઇઝ બેસ્ટ ફ્રેન્ડ્સ, સિંગલ સોલ વિથ ટુ બોડીઝ.’ કે બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, એક જાન બે જિસ્મ. વિધિની વક્રતા કહો કે યોગાનુયોગ, અઢી કલાક બાદ કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મહિન્દ્ર કંપનીની સામેના ઓવરબ્રિજ પર તેમની ઍક્ટિવા સ્કીડ થતાં તેઓ પટકાયા હતા અને પાછળથી પૂરપાટ આવી રહેલા ડમ્પરે અડફેટે લેતાં બન્ને જણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા. ગઈ કાલે બન્ને મિત્રોની અર્થી સાથે જ ઊઠી હતી અને વાતાવરણમાં આક્રંદ છવાઈ ગયું હતું.

અનિલ વાઘેલા વિશે માહિતી આપતાં તેમની ભાણેજ જ્યોતીએ કહ્યું હતું કે ‘સામસામેની રૂમમાં રહેતા અનિલ અને સાગર બન્ને વચ્ચે બચપણથી જ દોસ્તી હતી. અનિલ મલાડની એક ગાર્મેન્ટ ઍમ્બ્રૉયડરી ફૅક્ટરીમાં સુપરવાઇઝર હતો, જ્યારે સાગર ઉબર ઇટ્સમાં કામ કરતો હતો.



kandivli


કાંદિવલીમાં અકસ્માતના સ્થળનું નિરીક્ષણ કરી રહેલા પોલીસો. (તસવીરો : નિમેશ દવે)

અનિલ અને સાગર બહાર જ મળ્યા હતા અને તેઓ મલાડ જવા નીકળ્યા હતા ત્યારે કાંદિવલી હાઇવે પર કોઈ વાહને તેમની બાઇકને અડફેટે લીધી હતી. અમને ઍક્સિડન્ટ થયા પછી પોલીસ તરફથી જાણ કરાઈ હતી.’


અનિલના પરિવારમાં તેમનાં મમ્મી જ્યોત્સ્નાબહેન અને નાનો ભાઈ સંદીપ છે. અનિલના પિતા દિલીપભાઈનું ૪-૫ વર્ષ પહેલાં નિ‌ધન થયું હતું. ઘરની જવાબદારી અનિલ પર જ હતી. મમ્મી જ્યોત્સ્નાબહેન પણ કેટલુંક છૂટક કામ કરી તેમને ઘર ચલાવવામાં આર્થિક મદદ કરતાં, પણ મેઇન સૉર્સ અનિલ જ હતો. ૨૭ વર્ષના અનિલનાં લગ્ન હજી નહોતાં થયાં, કારણ કે તેમની રૂમ બહુ જ નાની હતી. તેમનું કહેવું હતું કે હજી ૩ વર્ષ કમાઈને થોડી મોટી જગ્યા લઈએ પછી લગ્નનું જોઈશું, પણ તેમના આકસ્મિક નિધનથી હાલ તો પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

સાગરના મોટા ભાઈ મિહિત પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘સાગર ફૂડ ચેઇન ડિલિવરીનું કામ કરતો હતો. છેલ્લા બે મહિનાથી તેણે બ્રેક લીધો હતો. ગઈ કાલે બુધવારથી જ એ ફરી જૉઇન થવાનો હતો. અનિલના પરિવારની જેમ જ અમારો પરિવાર હતો. મારા પિતા પણ ૨૦૧૧માં મૃત્યુ પામ્યા હતા. હાલ પરિવારમાં હું મારી મમ્મી ભાવનાબહેન અને સાગર ત્રણ જ હતા. અમને ઘટનાની થોડી જ વાર બાદ જાણ થઈ હતી કે તેમનો ઍક્સિડન્ટ થયો છે.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળ્યા, સ્પીકરે ધારાસભ્યોને લેવડાવ્યા શપથ

ડ્રાઇવરની શોધ ચાલુ છે

શિરિષ વક્તાણિયા

સમતાનગર પોલીસે આ સંદર્ભે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તેમને અડફેટે લઈ નાસી છૂટનાર અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધ ચાલુ કરી છે. જોકે પોલીસે વધુમાં એમ પણ કહ્યું હતું કે ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી જરૂરી હોય છે, પણ બન્નેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેરી નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 07:56 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK