17 July, 2023 06:53 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
વરસાદના દિવસોમાં યુવાનો તળાવો અને ધોધ જેવી જગ્યાઓ પર પ્રકૃતિનો આનંદ માણવા જતાં હોય છે. આવી વખતે ઘણીવાર દુર્ઘટના બનતી હોય છે. રવિવારે 16 જુલાઈએ સાંજના સમયે વિરાર (Virar) પૂર્વના પાપડખિંડ ડેમ વિસ્તારમાં એક 13 વર્ષનો છોકરો તેના પરિવાર સાથે ફરવા નીકળ્યો ત્યારે ડૂબી ગયો. હવે થાણે (Thane)માં ઉપવન તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર થાણેના ઉપવન તળાવમાં મિત્રો સાથે તરવા ગયેલો 17 વર્ષનો છોકરો ડૂબી ગયો છે. આ ડૂબી ગયેલા છોકરાનું નામ આદિત્ય લક્ષ્મણ પવાર સામે આવ્યું છે. આ છોકરો આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ ડૂબી ગયો હતો. નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા ડૂબેલા બાળકને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આદિત્ય ચારથી પાંચ મિત્રો સાથે ઉપવન તળાવમાં તરવા ગયો હતો.
સાંજે 5:10 વાગ્યે આ છોકરાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. વર્તક નગર પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.
કિશોરની ઓળખ આદિત્ય પવાર તરીકે થઈ છે. જે થાણેના સાવરકર નગરમાં ઠાકુર કોલેજમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આરડીએમસીએ જણાવ્યું હતું કે અધિકારીઓ પવારને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉપવન તળાવમાં ડૂબી ગયેલો આદિત્ય લોકમાન્ય નગર પાડા નંબર 04નો રહેવાસી છે. તે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ થાણે મ્યુનિસિપલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ, થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો અને ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા.
બે બોટની મદદથી સ્થળ પર ડૂબી ગયેલા છોકરાની શોધખોળ કરવામાં આવી હતી. થાણેમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નાગરિકો વરસાદની મજા માણવા તળાવો અને ધોધની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ડેમ, તળાવો અને ધોધમાં કોઈકને કોઈકની ડૂબી જવાની ઘટનાઓ સામે આવે છે. આમાંથી મોટાભાગની ઘટનાઓ પાલઘર જિલ્લામાં બની રહી છે.
જોકે, પાલઘર જિલ્લામાં આવી ઘટના ચાલુ જ છે. ગઈકાલે રવિવારે (16 જુલાઈ)એ પાલઘરના બાંદ્રી ડેમમાં એક યુવક ડૂબી ગયો હતો. આ મૃતકની ઓળખ રાહુલ સુરેશ ખરાત (30) તરીકે થઈ છે. તે મુંબઈના કાલાચોકી વિસ્તારનો રહેવાસી હતો. આ પહેલા પણ 11 જુલાઈએ મુંબઈના જોગેશ્વરીનો મશિઉદ્દીન સલાઉદ્દીન ખાન નામનો યુવક જવાહર તાલુકાના કાલમંડવી ધોધમાં ડૂબી ગયો હતો.
આ જ દુર્ઘટનાઓ બાદ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ચેતવણીઓ જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં લોકોને જળાશયોની મુલાકાત ન લેવા વિનંતી કરવામાં આવી છે.