વોટ કરો અને મેળવો હોટેલો ને દુકાનોમાં ડિસ્કાઉન્ટ, થિયેટરોમાં પણ ફ્રી પૉપકૉર્ન

25 April, 2024 08:47 AM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

વધુમાં વધુ મતદાન થાય એ માટે જૂનાગઢ અને મોરબીમાં કરવામાં આવી આ પહેલ

મોરબીમાં વેપારીઓએ અવશ્ય મતદાન કરીશું અને ડિસ્કાઉન્ટ આપીશું એવા સિગ્નેચર કૅમ્પેનમાં સાઇન કરી હતી

લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસ ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં જૂનાગઢ અને મોરબીના શો-રૂમ, દુકાનોના વેપારીઓ, હોટેલ-રેસ્ટોરાંના સંચાલકોએ જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગથી મતદાન વધારવા માટે આવકારદાયક પહેલ કરી છે. મતદાતા મતદાન કર્યાની સાબિતીરૂપે ટપકું કરેલી આંગળી બતાવશે તો
જુદી-જુદી વસ્તુઓ તેમ જ ફૂડ્સમાં સાતથી ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જૂનાગઢ

જૂનાગઢમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય એ માટે જૂનાઢ હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં મતદાતાઓને પ્રોત્સાહન મળે અને ૭ મેએ મતદાનના દિવસે મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે મતદાનના દિવસે મતદાન કરનાર મતદાતા મતદાન કર્યાની નિશાની બતાવશે તો જૂનાગઢની જાણીતી ૪૫થી વધુ હોટેલ અને રેસ્ટોરાંમાં ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હોટેલ અને રેસ્ટોરાંના સંચાલકોએ પણ ઉત્સાહભેર ડિસ્કાઉન્ટ આપવા ઉપરાંત ડિસ્કાઉન્ટ માટેનાં બૅનર પણ હોટેલ-રેસ્ટોરાંની બહાર લગાડવા માટે સહમતી આપી હતી અને મહત્તમ મતદાન થાય એ માટે તેમના પ્રયાસ રહેશે.

મોરબી

મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ વેપારીઓ સાથે બેઠક યોજી હતી. મોરબી જિલ્લાનાં વિવિધ મેડિકલ સ્ટોર, સિનેમાગૃહ, રેસ્ટોરાં, હોટેલ્સ, મોલ, શો-રૂમ, દુકાનના માલિકો દ્વારા મતદાન કરીને જે વ્યક્તિ ખરીદી કરવા આવશે તેને મતદાનના દિવસે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં રેસ્ટોરાં અને હોટેલ્સ દ્વારા જમવા માટે તેમ જ રૂમ બુકિંગ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપશે. સિનેમાગૃહોમાં મતદાન કરીને ફિલ્મ જોવા આવનાર પ્રેક્ષકને પૉપકૉર્ન ફ્રી આપવામાં આવશે. મેડિકલ, દુકાનો, મોલ, શો-રૂમમાં ૭ ટકાથી લઈને પ્રોડક્ટ પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મોરબીના વેપારીઓ તેમ જ હોટેલના સંચાલકોએ હું અવશ્ય મતદાન કરીશ એવા સિગ્નેચર કૅમ્પેનમાં ભાગ લઈ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.

junagadh morbi Lok Sabha Election 2024 gujarat gujarat news