13 April, 2025 12:38 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
શાકભાજી અને તરબૂચ આરોગતી ગૌમાતાઓ.
સમગ્ર ભારત ઉપરાંત વિદેશોમાં પણ ગઈ કાલે હનુમાન જયંતીની ઉલ્લાસભેર ઉજવણી થઈ હતી ત્યારે ઉત્તર ગુજરાતના ડીસા તાલુકામાં આવેલા સાંડિયા ગામે આવેલી જલિયાણ ગૌશાળામાં હનુમાન જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરતાં ત્રણ ટન શાકભાજી અને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું.
ગૌશાળામાં કોબીજ, ટમેટાં, મકાઇ સહિત વિવિધ પ્રકારનાં તાજાં શાકભાજી, લીલું ઘાસ અને રસદાર તરબૂચનો ઉપયોગ કરીને સુંદર રંગોળી બનાવવામાં આવી હતી અને ગૌમાતાઓને પ્રેમથી જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગૌશાળાની ગૌમાતાઓએ પણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન આરોગ્યું હતું. ગૌશાળાના ટ્રસ્ટી હિતેશ ઠક્કરે કહ્યું હતું કે ‘અમારો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાની સેવા કરવાનો છે અને દરેક પર્વની ઉજવણી ગૌમાતાને સાથે લઈને કરીએ છીએ. ગઈ કાલે ગૌશાળાને ત્રણ વર્ષ પૂરાં થયાં હોવાથી અને હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગૌમાતાઓ માટે કંઈક વિશેષ કરવાનો વિચાર કરીને શાકભાજી અને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓનો જમાડવાનો નિર્ણય કર્યો હતો. આ અનુભવ સારો રહ્યો હતો.’