કાર્યક્રમ બીજેપીનો, અટવાયા સુરતીઓ

25 November, 2021 11:53 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગઈ કાલે પીક-અવર્સમાં બીજેપીના સ્નેહમિલનને લીધે શહેરમાં ચિક્કાર ટ્રાફિક

સુરતના સ્નેહમિલન કાર્યક્રમને સંબોધી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ વર્ચ્યુઅલ રીતે સભાને સંબોધન કર્યું હતું.

ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં ગઈ કાલે સમી સાંજે પીક-અવર્સમાં બીજેપીના સ્નેહમિલનના કાર્યક્રમથી સુરતવાસીઓને તકલીફ વેઠવી પડી હતી. સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડતાં જાણે કે શક્તિ-પ્રદર્શન થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેના પગલે સુરતના રિંગ રોડ 
પર ટ્રાફિકમાં પબ્લિક અટવાઈ ગઈ 
હતી. એટલું જ નહીં પરંતુ કોરોનાના કારણે લગ્નપ્રસંગમાં સંખ્યાની મર્યાદા હોય તો રાજકીય પક્ષોના મેળાવડામાં અમર્યાદિત કાર્યકરોને એકઠા થવાની છૂટ કેમ તેવો સવાલ નાગરિકોમાં ઊઠવા પામ્યો હતો.
સુરતમાં આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ગઈ કાલે સાંજે નવા વર્ષ નિમિત્તે બીજેપી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટ્યા હતા. જેના પગલે સુરતના રિંગ રોડ પર અઠવા ગેટથી મજુરા ગેટ સુધીમાં ટ્રાફિકનો પ્રોબ્લેમ્સ ઊભો થયો હતો. ઑફિસ છૂટવાના સમય દરમ્યાન આ કાર્યક્રમ યોજાતા તેની સીધી અસર ટ્રાફિક પર પડી હતી. રિંગ રોડ ટ્રાફિકથી ધમધમતો રહેતો હોવાના કારણે તકલીફ ઊભી થઈ હતી.
વિધાનસભાની ચૂંટણી જીતવા બીજેપીએ ફૂંક્યું રણશિંગુ
ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે સુરતમાંથી રણશિંગુ ફૂંક્યું છે, એટલું જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને અત્યાર સુધીની ચૂ્ંટણીમાં રેકૉર્ડબ્રેક જીત મળે તે માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુભકામના પાઠવી હતી.
નવા વર્ષ નિમિત્તે બીજેપી દ્વારા સુરતમાં ગઈ કાલે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષ, ગુજરાત પ્રધાનમંડળના સભ્યો પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા તેમ જ ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના આગેવાનો, નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન પહેલાં સુરતમાં રૅલી યોજાઈ હતી.
સુરતમાં યોજાયેલા બીજેપીના સ્નેહમિલન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સૌને નૂતન વર્ષની શુભકામના પાઠવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સફળ મોડલની વાત કરી હતી અને વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત થયેલા નાગરિકોની વાત કરીને ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને કહ્યું હતું કે ‘દેશની અંદર સર્જિકલ સ્ટ્રાઇક હોય, અૅરસ્ટ્રાઇક હોય, ૩૭૦ની કલમ હટાવવાની હોય કે અયોધ્યાની અંદર ભગવાન શ્રીરામનું ગગનચુંબી મંદિર બનાવવાનું હોય, આ બધા જ ચૂંટણીના વચનો નરેન્દ્રભાઈએ પૂરા કરવાનું કામ કર્યું છે એ વખતે આ ૨૦૨૨ની અંદર ગુજરાતની ચૂંટણી આવે છે.’ 
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગેવાન અને કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવીને કહ્યું હતું કે ‘આપણે ૧૮૨ સીટ જીતવાની છે. આપણે કોઈને હરાવવા શું કામ પડે. ૧૮૨ સીટ જીતવાની વાત છે.’ 
ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું હતું કે ‘હું માનું છું કે ૨૦૦૨થી આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીસાહેબે અશ્વમેધ યજ્ઞ ગુજરાતથી શરૂ કર્યો હતો. ગુજરાતથી શરૂ કરેલા અશ્વમેધનો અશ્વ આખા દેશની અંદર ફરી રહ્યો છે. આખા દેશમાં કોઈ રાજકીય પાર્ટીની તાકાત નથી કે આ અશ્વને રોકી શકે.’

gujarat news gujarat shailesh nayak surat