પંખીઓને ઓળખી કાઢવાની ધારદાર નજર ને સમજ છે આ ગુજરાતી ટેણિયાઓમાં

22 January, 2023 07:48 AM IST  |  Mumbai | Shailesh Nayak

એટલે જ વડોદરા પાસેની સ્કૂલના સ્ટુડન્ટ્સ નંદની, મનન અને હર્ષિલને ગુજરાતમાં પક્ષીઓની ગણતરીના કામમાં ખાસ જોડવામાં આવ્યા છે

ભાયલી તળાવ ખાતે આવતાં પક્ષીઓને ઓળખી રહેલાં નંદની વણકર, મનન મકવાણા અને હર્ષિલ વણકર.

અમદાવાદ : ગુજરાતમાં રામસર સાઇટ વઢવાણામાં શુક્રવારે યોજાયેલી મોસમી પક્ષી ગણતરીમાં વડોદરાના વન્ય પ્રાણી વિભાગે પક્ષીની ગણતરી માટે નિષ્ણાતો અને વન-કર્મચારીઓ સાથે પહેલી વાર ત્રણ બાળકોને સામેલ કર્યાની આવકારદાયક ઘટના બનવા પામી છે. પક્ષીઓને ઓળખી શકતાં અને એના વિશે સમજ ધરાવતાં ભાયલીનાં નંદની, મનન અને હર્ષિલ વઢવાણાના તળાવમાં વિહરતાં દેશી-વિદેશી પંખીઓની ગણતરી કરીને રોમાંચિત થઈ ઊઠ્યાં હતાં.

ગુજરાતના વન વિભાગના વડોદરાના વન્યજીવ વિભાગ દ્વારા વઢવાણા વેટલૅન્ડ ખાતે શુક્રવારે યોજાયેલી પક્ષી ગણતરી ૨૦૨૩માં ભાયલીનાં બે કિશોર અને એક કિશોરીને પક્ષી ગણતરીકાર તરીકે સામેલ કરીને નવો ચીલો ચાતર્યો છે.

દેશ-વિદેશનાં પંખીઓ વિશે માહિતી ધરાવતી ૧૫ વર્ષની નંદની વણકર, ૧૨ વર્ષનો મનન મકવાણા અને ૧૧ વર્ષનો હર્ષિલ વણકરની પક્ષી ગણતરીકાર તરીકે ટીમમાં સામેલ કર્યાની ગુજરાતમાં સંભવિત રીતે પહેલી ઘટના બની છે. પક્ષી નિષ્ણાતો સાથે આ બાળકોએ દેશી અને યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ કરી નોટિંગ કર્યું હતું.

વડોદરા વાઇલ્ડલાઇફના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ રવિરાજસિંહ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાળકો ૧૦૦થી વધુ જાતનાં પક્ષીઓને ઓળખી શકે છે. બુક્સમાં પક્ષીઓને ઓળખી જાય, પણ ઑનફીલ્ડ જુએ તો કેટલી ડિફિકલ્ટી થાય છે. તેઓ નવું કંઈક સ્પોટ કરે, કેમ કે અત્યારે તેમની ઑબ્ઝર્વેશન સ્કીલ વધુ સારી ડેવલપ થતી હોય છે એટલે એ રીતે તેમને આ પક્ષી ગણતરીમાં સાંકળ્યાં હતાં. બાળકોને પક્ષી ગણતરીમાં સામેલ કર્યાની આ પહેલી વારની ઘટના બની છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પક્ષીઓની ગણતરીમાં બાળકો જોડવામાં આવતાં નથી, પણ આ સાઇટ પર પહેલી વાર બાળકોને જોડવામાં આવ્યાં છે. આ ત્રણ બાળકોને એક ગ્રુપ સાથે રાખવામાં આવ્યાં હતાં. કુલ ૧૩ ગ્રુપ બનાવીને પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. એક ગ્રુપમાં ૫થી ૭ વ્યક્તિઓ હતા. કુલ ૧૦૦ જેટલા લોકો પક્ષી ગણતરીમાં જોડાયા હતા. વઢવાણા તળાવમાં ૧૬૭ જાતનાં પક્ષીઓ ઓળખાયાં છે અને આશરે ૫૫,૦૦૦ જેટલાં પક્ષીઓ હશે એવો અંદાજ છે.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘વેટલૅન્ડ વિશે લોકોનો ઇન્ટરસ્ટ કેળવાય અને આવનારી પેઢી એને સમજે. આ બાળકોને સાથે રાખ્યાં એનાથી બીજાં બાળકો પણ પ્રેરીત થાય. અમે વઢવાણાની આસપાસની સ્કૂલોને જોડીને બાળકોને વેટલૅન્ડ મિત્ર બનાવ્યાં છે. નાનાં તળાવો હોય એમાં કોઈ કચરો ન નાખે, વૃક્ષો વાવે જેથી પક્ષીઓ આવે અને તેમને શેલ્ટર મળે.’

પક્ષીઓની ગણતરીમાં જોડાયેલા ૭મા ધોરણમાં અભ્યાસ કરતા મનન મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુદાં-જુદાં ગ્રુપને ચોક્કસ વિસ્તારમાં પક્ષીઓની ગણતરી સોંપી હતી. હું અને મારા ફ્રેન્ડ્સ શુક્રવારે વઢવાણા તળાવ ખાતે આવેલા માંજરોલ ટાવરથી તાડના વૃક્ષ સુધી એક કિલોમીટર સુધીના એરિયામાં પક્ષીઓની ગણતરી નિષ્ણાતો સાથે કરી હતી. યુરેસિયન વીઝન, મલાડ, પરપલ મુરેન, ગ્રેલેગ ગુઝ સહિતનાં વિદેશી પંખીઓ અમે જોયાં હતાં. પહેલી વાર અમે ગણતરીમાં જોડાયા હોવાથી અમને મજા આવી હતી. ઓસ્પ્રે, માર્શ હેરિયર, યુરેસિયન વીઝન જેવા અમે કેટલાંક નવાં પક્ષીઓ પણ જોયાં હતાં. ટોળામાં બેઠેલાં પક્ષીઓને જોઈને અમે ગણતરી કરી હતી. એક ટોળામાં લગભગ ૧૦ પક્ષી હતાં અને એવાં ત્રણ ટોળાં અમે જોયાં હતાં અને એની ગણતરી કરી હતી.’

છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષિલ વણકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને બોલાવીને એક સરસ તક આપી હતી. અમારા માટે આ એક નવો અનુભવ હતો. કઈ રીતે બર્ડને કાઉન્ટ કરવા, ડાયરીમાં નોટ કરવાનું એ સહિત ઘણી બાબતો જાણવા મળી. અમે દૂરબીન અને કૅમેરા લઈને ગયાં હતાં. વઢવાણા તળાવના એક આઇલૅન્ડ પર લગભગ ૨૦૦૦ જેટલાં નૉર્ધન પિન્ટેડ જોવા મળ્યાં. આ પંખીની પૂંછડી માથાની પીન જેવી હોય છે. માથું બ્રાઉન કલરનું હોય છે. પાણીમાં તરતાં ૫૦ નૉર્ધન સોવેલર પંખી જોયાં અને એની ગણતરી કરી હતી. આ પંખીનું માથું ગ્રીન હોય છે અને એની ચાંચ બ્લૅક કલરની હોય છે અને એ આગળથી જાડી હોય છે અને પાછળથી પાતળી હોય છે. બ્રાઉન કલરનું ગઢવાલ ડક જોયું, ગાર્ગીની, બારહેડેડ ગુઝ સહિતનાં પક્ષીઓ જોયાં અને એની ગણતરી કરી હતી.’

ભાયલીમાં તળાવ અને પક્ષીઓ વિશે બાળકોને સમજ આપીને તળાવને તૈયાર કરનાર હિતાર્થ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાયલીના તળાવમાં ૭૦થી ૮૦ જાતનાં પક્ષીઓ આવે છે. પક્ષીઓનું મહત્ત્વ તેમને સમજાવ્યું હતું. પક્ષીઓના અવાજ પરથી પક્ષી ક્યાં બેઠું છે એ શીખવ્યું હતું. પક્ષીઓને ઓળખવા માટે રેફરન્સ બુક આપી હતી. આ ઉપરાંત ભાયલી તળાવ ઉપરાંત વઢવાણા તળાવ, નળ સરોવર સહિતનાં સ્થળોએ બાળકોને લઈ ગયાં હતાં, જેથી આ બાળકો અલગ-અલગ પક્ષીઓને જોતાં ગયાં, તેમને ઓળખતાં ગયાં અને ધીરે-ધીરે યાદ કરતાં ગયાં હતાં.’

gujarat gujarat news ahmedabad vadodara shailesh nayak