મહી અને સાગરના સંગમસ્થળે નદીમાં થયો દૂધનો અભિષેક

21 January, 2026 07:01 AM IST  |  Gujarat | Shailesh Nayak

વાસદ, વહેરાખાડી અને ફાજલપુર પાસે મોટી સંખ્યામાં રબારી સમાજે શ્રદ્ધાપૂર્વક મહી નદીનું કર્યું પૂજન-અર્ચન : આ દિવસે ગોપાલક સમાજ નથી કરતો ગાયના દૂધનું વેચાણ

મહીસાગર નદીમાં દૂધનો અભિષેક કરતા શ્રદ્ધાળુઓ અને મહી બીજે પ્રસાદનું વિતરણ થયું હતું.

ભારતમાં નદીને લોકમાતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. નદી સાથે આદિ-અનાદિ કાળથી લોકોની આસ્થા જોડાયેલી છે. ગઈ કાલે મહા સુદ બીજના દિવસે મધ્ય ગુજરાતમાંથી પસાર થતી મહીસાગર નદીના કિનારે રબારી સમાજ ઊમટ્યો હતો અને શ્રદ્ધાપૂર્ણ રીતે દૂધનો અભિષેક કરીને પૂજન-અર્ચન કર્યું હતું.   

મહા સુદ બીજના દિવસને મહી બીજ તરીકે રબારી સમાજ વર્ષોથી ઊજવતો આવ્યો છે. આની પાછળ લોકવાયકા છે કે મહી અને સાગરના સંગમસ્થળ એવા આણંદ જિલ્લામાં આવેલા વહેરા ખાડી ગામે મહી નદીનાં સાગર સાથે લગ્ન યોજાયાં હતાં અને ગૌધન ચરાવતા ગોપાલકે કન્યાદાન કર્યું હતું. આ લોકવાયકાને ધ્યાને લઈને દર વર્ષે મહા સુદ બીજના દિવસને રબારી સમાજ મહી બીજ તરીકે ઊજવે છે. વહેરાખાડી ખાતે મહીસાગર નદીના કિનારે આવેલા મહીસાગર માતાજીના મંદિરે, વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે અને વાસદ ટોલનાકા પાસેથી પસાર થતી મહીસાગર નદી ખાતે રબારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયો હતો. લોકો ગાયનું દૂધ કેન, ડોલચા સહિતનાં વાસણોમાં ભરી લાવીને એનો મહીસાગર નદીમાં અભિષેક કર્યો હતો અને સ્નાન કરીને પૂજન કર્યું હતું. રબારી સમાજના લોકો મહી બીજના દિવસે ગાયના દૂધનું વેચાણ કરતા નથી. સાંજે દૂધની ખીર અને સુખડી બનાવે છે અને બીજના ચંદ્રનાં દર્શન કરીને મહીસાગર માતાને નૈવેધ ધરાવીને પ્રસાદ લે છે. 

gujarat news gujarat culture news gujarati community news india shailesh nayak