અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા

24 June, 2022 08:46 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૨૫,૦૦૦ પોલીસ રાખશે રથયાત્રા પર બાજનજર ઃ સુરક્ષા માટે મેન પાવર સાથે આધુનિક ટેક્નૉલૉજીનો પણ કરવામાં આવશે ઉપયોગ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને લઈને બેઠક યોજાઈ હતી. એ વખતે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા.

અમદાવાદમાં વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા ૧ જુલાઈએ હર્ષોલ્લાસ સાથે યોજાવાની છે ત્યારે કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લાખો ભાવિકો રથયાત્રામાં જોડાશે ત્યારે રથયાત્રા ભક્તિભાવપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસ તંત્ર સજ્જ થયું છે અને રથયાત્રાના દિવસે અમદાવાદનાં આઠ પોલીસ-સ્ટેશનોમાં મિની કન્ટ્રોલરૂમ ખૂલશે. એટલું જ નહીં, પરંતુ ભગવાનના ત્રણ રથને ત્રણ લેયરની સુરક્ષા અપાશે, એ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૨૫,૦૦૦ પોલીસ જવાનો મેન પાવર સાથે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને રથયાત્રા પર બાજનજર રાખશે.

અમદાવાદમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ૧ જુલાઈએ પ્રભુ જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નગરયાત્રાએ નીકળશે. કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ભાવિકો રથયાત્રમાં જોડાઈ શક્યા નહોતા ત્યારે આ વર્ષે ભાવિકો રથયાત્રામાં જોડાવાના છે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ સત્તાવાળાઓએ કવાયત શરૂ કરી દીધી છે. ગઈ કાલે રથયાત્રાને લઈને તપાસ એજન્સીઓએ મંદિરમાં બૉમ્બ અને ડૉગ સ્ક્વૉડ દ્વારા તપાસ હાથ ધરી હતી. ૧૪૫મી રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થા માટે ગઈ કાલે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા-બેઠક યોજી હતી.

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન શાંતિ, સલામતી અને સુરક્ષા માટે જરૂરી તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવશે. રથયાત્રામાં આ વર્ષે પણ ટેક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ થશે. રથયાત્રાના રૂટ પર આવતા કારંજ, શાહપુર, માધવપુર, ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કાળુપુર, ખાડિયા તથા દરિયાપુર પોલીસ-સ્ટેશનોમાં મિની કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાંથી પળેપળની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવશે. રથયાત્રાનું લાઇવ મૉનિટ‌િંરગ કરવા માટે રૂટ પર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે. રૂટ પર સીસીટીવી વેહિકલ દ્વારા પૅટ્રોલિંગ કરાશે. મૂવિંગ બંદોબસ્તમાં રથયાત્રા મોબાઇલ વાહનો પર સીસીટીવી કૅમેરા ગોઠવાશે. બૉડીવૉર્ન કૅમેરાથી પણ ચાંપતી નજર રખાશે. રથયાત્રાના રૂટ પર આતંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૃત્તિ અટકાવવા માટે બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્કવૉડની ૧૦ ટીમ, ચેતક કમાન્ડો, ડૉગ સ્કવૉડ, નેત્રા ટીમ ફરજમાં તહેનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન કૅમેરા પણ ગતિવિધિઓ પર નજર રાખશે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે રથયાત્રાની સુરક્ષા-જવાબદારી ડીજી અને આઇજી રેન્જના ૮, એસપી રેન્જના ૩૦, એસીપી રૅન્કના ૧૩૫ અધિકારીઓ, એસઆરપી તથા સીએપીએફની ૬૮ કંપનીઓ મળીને કુલ ૨૫,૦૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ સંભાળશે. સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પૉઇન્ટ, ધાબા પૉઇન્ટ, વૉચ ટાવર, ઘોડેસવાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ બેઠક બાદ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓ સાથે બેઠક કરીને વ્યવસ્થાની જાણકારી આપી હતી. ત્યાર બાદ રથયાત્રાના રૂટ પર આવતાં સ્થળોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

gujarat gujarat news ahmedabad Rathyatra shailesh nayak