સુરત ઈફેક્ટઃરાજ્યના તમામ ટ્યુશન ક્લાસિસ તાત્કાલિક બંધ કરવા આદેશ

25 May, 2019 08:51 AM IST  |  અમદાવાદ

સુરત ઈફેક્ટઃરાજ્યના તમામ ટ્યુશન ક્લાસિસ તાત્કાલિક બંધ કરવા આદેશ

સુરતમાં ટ્યુશન ક્લાસિસ ધરાવતી ઈમારતમાં આગ લાગ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. 21 બાળકોએ જીવ ગુમાવ્યા બાદ જાણે તંત્રની ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. રાજકોટ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં જ્યાં સુધી ફાયર સેફ્ટીની તપાસ ન થાય ત્યાં સુધી ટ્યુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ અપાયા છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પણ અગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.

 

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ફાયરસેફ્ટીની તપાસ ન થાય ત્યાં સુધી શહેરના દરેક ટ્યુશન ક્લાસીસ ને બંધ રાખવા આદેશ આપ્યો છે. તો રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીએ પણ ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા ક્લાસિસ તાત્કાલિક અસરથી બંધ કરાવવા આદેશ આપ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે,'રાજકોટમા ચાલતા ટયુશન કલાસીસ પૈકી જે ટ્યુશન કલાસમાં અગ્નિશમન (ફાયર સેફટી) ના સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં અને હાલ તાત્કાલિક અસરથી આવા ટ્યુશન કલાસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ ચાલુ કરી નહી શકાય'

આ પણ વાંચોઃ Surat Fire: સામાન્ય જનતાનો ફૂટ્યો ગુસ્સો, આવું કહે છે સુરતના લોકો

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે સાંજથી શહેરના તમામ ટ્યુશન કલાસમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની ચકાસણી કરવા ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાને આદેશ આપ્યો છે, જેના પગલે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ત્રણ ટીમોએ તાબડતોબ સાંજે ટ્યુશન કલાસીસની ચકાસણી શરૂ કરી દીધી હતી.

ahmedabad surat rajkot news