મિલ્ક સિટી આણંદ ૪ કલાકમાં ૭ ઇંચ વરસાદથી પાણી-પાણી

19 June, 2021 09:30 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ

આણંદના વિવિધ વિસ્તારોમાં ભરાયેલાં વરસાદી પાણી, અને એમાંથી માર્ગ કાઢતો બાઇકસવાર

મધ્ય ગુજરાતમાં આવેલી મિલ્ક સિટી ગણાતા આણંદમાં ગઈ કાલે ૧૮૩ મિલીમીટર એટલે કે ૭ ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસાદના પગલે આણંદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સવાર-સવારમાં આણંદ જળબંબોળ થઈ ગયું હતું.

ગુજરાતમાં ગઈ કાલે વરસાદી માહોલ જામ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધી ૧૪૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.આણંદમાં ગઈ કાલે સવારે ૬થી ૮ વાગ્યા દરમ્યાન બે કલાકમાં લગભગ પાંચ ઇંચ જેટલો અને સવારે ૮થી ૧૦ વાગ્યા દરમ્યાન બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આમ ૪ કલાકમાં જ આણંદમાં ૧૭૦ મિલીમીટર એટલે ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે આણંદમાં તુલસી અન્ડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોની સલામતી માટે એને બંધ કરી દેવામાં આવ્યો હતો. રેલવે-સ્ટેશન પાછળ આવેલા પાધરિયા વિસ્તાર, લક્ષ્મી સિનેમા, ઇસ્માઇલ નગર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણામાં ગઈ કાલે સાંજે ૪થી ૬ વાગ્યા વચ્ચેના બે કલાકમાં સાડાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ગોપી અન્ડરપાસ (ગોપી નાળું) ભરાઈ ગયું હતું અને અન્ડરપાસની દીવાલ ધસી પડી હતી.

સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ

સુરત શહેર જિલ્લામાં ગઈ કાલથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી ચાર કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમ્યાન રાજ્યમાં વરસાદી માહોલ જામશે.

gujarat Gujarat Rains anand surat shailesh nayak