ગુજરાતની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારો પર ખાસ ફોકસ

09 May, 2022 08:38 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધી ૧૦ મેએ દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાને સંબોધશે, જ્યારે કેજરીવાલે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક સભાને સંબોધી હતી. બીજેપી પણ આદિવાસી વિસ્તારોની બેઠકો પર જીત માટે ખાસ તૈયારીઓ કરી રહી છે

ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પૉલિટિકલ પાર્ટીઓ તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ ચૂંટણીમાં આદિવાસી વિસ્તારો પર તમામ પૉલિટિકલ પાર્ટીઓનું ખાસ ફોકસ છે. એટલા માટે જ તો કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ૧૦ મેએ દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાને સંબોધશે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જ ગુજરાતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સાથે જોડાણ કર્યું હતું. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પહેલી મેના રોજ ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક સભાને સંબોધી હતી. બીજેપી પણ ગુજરાતમાં આદિવાસીઓના મત મેળવવા માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. રાજ્યના રાજકારણમાં આદિવાસીઓની ભૂમિકા મહત્ત્વની છે. તેમના માટે વિધાનસભામાં ૨૭ બેઠક રિઝર્વ છે. કૉન્ગ્રેસે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં એમાંથી ૧૫ બેઠકો પર જીત મેળવી હતી જ્યારે બીજેપીને નવ બેઠકો મળી હતી.

બીજેપી વાસ્તવમાં કૉન્ગ્રેસ અને આપને બૅકફુટ પર લાવવા માટે આદિવાસી બેલ્ટ પર પોતાની પકડ જમાવવા ઇચ્છે છે. કૉન્ગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટા બાદ હવે આદિવાસી વિસ્તારોમાં બીજેપી અને કૉન્ગ્રેસ બન્નેની પાસે ૧૨-૧૨ બેઠકો છે. તાજેતરમાં જ આદિવાસી નેતા અને ત્રણ વખતના ધારાસભ્ય અશ્વિન કોતવાલ કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. કોતવાલે કહ્યું હતું કે તેઓ આદિવાસી વિસ્તારોમાં કૉન્ગ્રેસની કામગીરીથી નિરાશ હતા.

બીજેપીના નેતાઓ માને છે કે દલિત સમુદાયની બેઠકો પર બીજેપી સારું પરફૉર્મ કરી રહી છે એ જ રીતે આદિવાસી બેઠકો પર પણ મજબૂત ટ્રાઇબલ નેતાની જરૂર છે.

આદિવાસીઓએ તાજેતરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમની મુખ્ય માગણી તાપી-નર્મદા લિન્ક યોજનાને અટકાવવાની હતી. આદિવાસીઓમાં એને લઈને વિરોધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ રિવર લિન્ક યોજનાને અટકાવવાની વિનંતી કરી હતી. 

gujarat gujarat news gujarat politics aam aadmi party arvind kejriwal rajkot Gujarat Congress rahul gandhi