અમદાવાદ પ્લેન ક્રૅશના એકમાત્ર જીવિત મુસાફરની પૂછપરછમાં ૮ મહિનાનો વિલંબ, ડ્રાફ્ટ રિપોર્ટમાં પણ ઉલ્લેખ નહીં

08 June, 2026 10:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

દુર્ઘટના બાદ વિશ્વાસ અઠવાડિયાંઓ સુધી ભારતમાં જ હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળ્યો હતો

દુર્ઘટના પછી વિશ્વાસ કુમાર રમેશ હૉસ્પિટલમાં હતો ત્યારે નરેન્દ્ર મોદી તેને મળ્યા હતા.

જૂન ૨૦૨૫માં અમદાવાદ ખાતે ઍર ઇન્ડિયાની ફ્લાઇટના ક્રૅશમાં ૨૬૦ લોકોનાં મોત થયાં હતાં. આ ગોઝારી દુર્ઘટનામાં બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર જીવિત બચ્યો હતો. જોકે ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તેની સત્તાવાર પૂછપરછ ૮ મહિના કરતાં વધુ સમય બાદ ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ કરવામાં આવતાં મોટો વિવાદ સર્જાયો છે.
વિશ્વાસે દુર્ઘટના પહેલાં કૅબિનમાં એક મોટો ધડાકો સાંભળ્યો હતો અને લીલી-સફેદ લાઇટો ઝબૂકતી જોઈ હતી. ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રેસિડન્ટ કૅપ્ટન સી.એસ. રંધાવાના જણાવ્યા મુજબ આ લાઇટો સ્પષ્ટ કરે છે કે વિમાને મેઇન એન્જિનનો પાવર ગુમાવ્યો હતો અને ઇમર્જન્સી બૅટરી ચાલુ થઈ ગઈ હતી.

દુર્ઘટના બાદ વિશ્વાસ અઠવાડિયાંઓ સુધી ભારતમાં જ હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળ્યો હતો છતાં ત્યારે તેનું નિવેદન લેવાયું નહોતું. બ્રિટનના AAIBને પણ ભારત તરફથી કોઈ અપીલ કરાઈ નહોતી.

માર્ચમાં અમદાવાદ ખાતે ૯૦ મિનિટના વિડિયો રેકૉર્ડિંગ બાદ પણ ડ્રાફ્ટ રિપોર્ટમાં આ મહત્ત્વની માહિતી સામેલ ન કરાતાં ઍર લાઇન પાઇલટ્સ અસોસિએશન (ALPA) અને વકીલોએ તપાસની ગંભીરતા સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.

gujarat news gujarat ahmedabad plane crash ahmedabad narendra modi air india