હવે ગુજરાતમાં પણ ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ શરૂ

13 September, 2023 10:05 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે અને તેઓ આજે ગુજરાતની ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કરશે, જેની આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડન્ટ ઑફ ભારત’ લખાયું છે : ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું, હવે અંગ્રેજી નામોની આપણને જરૂર નથી

ગઈ કાલે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં, જ્યાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

હવે ગુજરાતમાં પણ ‘ઇન્ડિયા’ના બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ શરૂ થયો છે. દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે અને તેઓ આજે ગુજરાતની ઈ- વિધાનસભાનું ઉદ્ઘાટન કરશે. આ ઈ-વિધાનસભાના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડન્ટ ઑફ ભારત’ લખાયું છે.

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે ‘નૅશનલ ઈ-વિધાનસભા ઍપ્લિકેશન – નેવા’ ડિજિટલ હાઉસનું વિધાનસભા ગૃહમાં ઉદ્ઘાટન કરશે અને ગૃહના સભ્યોને સંબોધન કરશે. આ સમારોહની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિના નામની નીચે ઓનરેબલ પ્રેસિડન્ટ ઑફ ભારત લખાયું છે. ગઈ કાલે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં, જ્યાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમ જ અન્ય મહાનુભાવોએ રાષ્ટ્રપતિનું  સ્વાગત કર્યું હતું.

ગુજરાતની ઈ-વિધાનસભાના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડન્ટ ઑફ ભારત’ લખાયું છે

આમંત્રણ પત્રિકામાં પ્રેસિડન્ટ ઑફ ભારત લખવાના મુદ્દે ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી લખાયું છે એ બિલકુલ સાચી વાત છે, સનાતન છે અને સનાતનની સાથે જોડાયેલો ભારત શબ્દ રાજા ભરત પરથી આવેલો ભારત શબ્દ. અનેક દેશોએ પોતાની આગવી પરંપરાઓ જાળવી રાખી અને ભૂતકાળમાં જે નિશાનો જૂનાં ગુલામીકાળનાં રહ્યાં હતાં એ બધાં જ નિશાનો મિટાવી અને પોતે પોતાનું નામ પોતાની પરંપરા મુજબ રાખેલું છે. અને ભારત નામ સ્વાભાવિક છે. બધાએ ભારતને પ્રેમ કર્યો છે અને ભારતને પ્રેમ કર્યો હોય ત્યારે સ્વાભાવિક હવે અંગ્રેજી નામોની આપણને જરૂર નથી. દરેક જગ્યાએ હવે ભારત શબ્દનો પ્રયોગ થવાનો છે.’

india Bharat bhupendra patel droupadi murmu gujarat gujarat news gujarat cm shailesh nayak