પોરબંદરની પાસે આવેલા બરડા અભયારણ્યમાં ૧૪૩ વર્ષે સિંહ દેખાયો

20 January, 2023 11:34 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

દરિયાકાંઠાનાં જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : ગુજરાતના ગૌરવ સમા ડાલામથ્થા સિંહની ડણક પોરબંદર પાસે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી એક વાર સવા સદી કરતાં વધુ વર્ષો બાદ સાંભળવા મળી છે. પોરબંદર પાસે બરડા વન્યજીવ અભયારણ્યમાં ૧૪૩ વર્ષ પછી સિંહ દેખાયો છે. સાડાત્રણ વર્ષનો સિંહ ૨૦૨૩ની ૧૮ જાન્યુઆરીએ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. બરડા અભયારણ્યમાં સિંહ દેખાતાં સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 

ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય પરિમલ નથવાણીએ કહ્યું હતું કે ‘સાડાત્રણ વર્ષનો સિંહ ૨૦૨૩ની ૧૮ જાન્યુઆરીએ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ૨૦૨૨ની ૩ ઑક્ટોબરે પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. દરિયાકાંઠાનાં જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ૨૯ ઑક્ટોબરે એને રેડિયો કૉલર લગાડવામાં આવ્યો હતો. ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં છેલ્લે વર્ષ ૧૮૭૯માં સિંહ દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું.’ 

આ પણ વાંચો : આવતા વર્ષથી ગુજરાતમાં મેડિકલ અને ટે​ક્નિકલ કૉલેજમાં ગુજરાતીમાં કરાવાશે અભ્યાસ

રાજ્યસભાના સંસદસભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કૉર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણીએ વધુમાં કહ્યું હતું કે ‘સિંહ અને વન્યજીવપ્રેમી તરીકે હું ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને એમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટીક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે અમારા તરફથી જે પણ મદદની જરૂર હોય એ પૂરી પાડવા માટે તૈયાર છીએ.’

gujarat news porbandar ahmedabad wildlife