ગિફ્ટ સિટી ગ્લોબલ ઑપોર્ચ્યુનિટી સાથે જોડવાનું એક મહત્ત્વપૂર્ણ ગેટવે

30 July, 2022 08:32 AM IST  |  Gandhinagar | Shailesh Nayak

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર ઑથોરિટીના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો

ગઈ કાલે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર ઑથોરિટીના મુખ્યાલયના શિલાન્યાસ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

તેમ જ ભારતનું પ્રથમ ઇન્ટરનૅશનલ બુલિયન એક્સચેન્જ લૉન્ચ કરીને કહ્યું કે, `મને વિશ્વાસ છે કે આ ભવન ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા અસીમિત અવસર ઊભા કરશે`

ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટીમાં આવેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ગિફટ સિટી ભારતની સાથે-સાથે ગ્લોબલ ઑપોર્ચ્યુનિટી સાથે જોડવાનું એક મહત્ત્વપૂર્ણ ગેટવે છે. ગિફ્ટ સિટી દ્વારા ભારત વિશ્વસ્તરે સર્વિસ સેક્ટરમાં મજબૂત દાવેદારી સાથે આગળ વધી રહ્યું છે.’

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર ઑથોરિટીના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો તેમ જ ભારતનું પ્રથમ ઇન્ટરનૅશનલ બુલિયન એક્સચેન્જ લૉન્ચ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારમણ, પંકજ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે આ ભવન ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા અસીમિત અવસર ઊભા કરશે. ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા દુનિયાના એ દેશોની હરોળમાં ઊભું થઈ રહ્યું છે જ્યાંથી ગ્લોબલ ફાઇનૅન્સને દિશા બતાવવામાં આવે છે. હું આ અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. ગિફટ સિટી કૉમર્સ અને ટેક્નૉલૉજીના હબના રૂપમાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. જ્યારે આપ ગિફ્ટ સિટી સાથે ઇન્ટિગ્રેટ કરશો તો તમે આખા વિશ્વ સાથે ઇન્ટિગ્રેટ કરશો. સાથીઓ આજે ભારત દુનિયાની સૌથી મોટી ઇકૉનૉમીમાંની એક છે.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘ગિફ્ટ સિટીની એક વધુ ખાસ વાત એ છે કે એ ટ્રાય સિટી અપ્રોચનું પ્રમુખ સ્તંભ છે. અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી ત્રણેય એકબીજાથી ફક્ત ૩૦ મિનિટ દૂર છે અને ત્રણેયની ‍વિશેષ ઓળખ છે. અમદાવાદે ગૌરવશાળી ઇતિહાસને પોતાનામાં સમેટ્યો છે. ગાંધીનગર પ્રશાસનનું કેન્દ્ર છે, નીતિ અને નિર્ણયોનું મુખ્ય મથક છે, અને ગિફ્ટ સિટી અર્થતંત્રનું પ્રમુખ કેન્દ્ર છે એટલે તમે આ ત્રણેયમાંથી કોઈ સિટીમાં જાઓ છો તો પાસ્ટ, પ્રેઝન્ટ અથવા ફ્યુચરથી તમે ફક્ત ૩૦ મિનિટ દૂર છો. દુનિયાના સૌથી બહેતર માઇન્ડ આવીને અહીં શીખી રહ્યા છે, ગ્રો કરી રહ્યા છે એટલે ગિફ્ટ સિટી એક રીતે ભારતના જૂના આર્થિક ગૌરવને પ્રાપ્ત કરવાનું પણ એક માધ્યમ બની રહ્યું છે.’

નરેન્દ્ર મોદીએ સોના વિશે કહ્યું હતું કે ‘ગોલ્ડ માટે ભારતના લોકોનો પ્યાર કોઈનાથી છુપાયેલો નથી. સોનું ભારતમાં મહિલાઓની આર્થિક શક્તિનું મોટું માધ્યમ છે. ગોલ્ડ અમારા સમાજ અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો પણ એટલો જ અહમ્ હિસ્સો રહ્યો છે. એક મોટું કારણ છે કે ભારત આજે સોના-ચાંદીના ક્ષેત્રનું એક બહુ મોટું માર્કેટ છે.’

તેઓએ એમ પણ કહ્યું હતું કે ‘આજે ૨૧મી સદીમાં ફાઇનૅન્સ અને ટેક્નૉલૉજી એકબીજા સાથે જોડાયેલાં છે અને વાત ટેક્નૉલૉજીની હોય, વાત સાયન્સ અને સૉફ્ટવેરની હોય તો ભારત પાસે એજ પણ છે અને એક્સ્પીરિયન્સ પણ છે.’

gujarat gujarat news gandhinagar narendra modi shailesh nayak