ડિજિટલ ઇન્ડિયાએ બગાડી વચે​ટિયાઓની હાલત : મોદી

05 July, 2022 08:56 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો વડા પ્રધાને આરંભ કરાવ્યો, ભારત ચિપ ટેકથી ચિપમેકર બનવા માગે છે, દુનિયાની ૪૦ ટકા ડિજિટલ લેણદેણ ભારતમાં

ગાંધીનગરમાં ડિ​જિટલ ઇન્ડિયા સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આમંત્રિતો અને પ્રદર્શનને નિહાળી રહેલા નરેન્દ્ર મોદી

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સમયની સાથે જે દેશ આધુનિક ટેક્નૉલૉજીને નથી અપનાવતો, સમય એને પાછળ છોડી આગળ નીકળી જાય છે. આજે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રા​ન્તિ, ઇન્ડસ્ટ્રીઝ ૪.૦માં હિન્દુસ્તાન દુનિયાને દિશા બતાવી રહ્યું છે. દુનિયાની ૪૦ ટકા ડિજિટલ લેણદેણ આપણા હિન્દુસ્તાનમાં થાય છે અને ડિજિટલ ઇ​ન્ડિયા વચેટિયાઓના નેટવર્કને સમાપ્ત કરી રહ્યું છે.’

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન અ​શ્વિની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતિમાં ડિજિટલ ઇન્ડિયા 
સપ્તાહનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભ કરાવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજનો આ કાર્યક્રમ એકવીસમી સદીમાં નિરંતર આધુનિક થતા ભારતની એક ઝલક લઈને આવ્યો છે. ટેક્નૉલૉજીનો સાચો ઉપયોગ સમગ્ર માનવતા માટે આટલો ક્રા​ન્તિકારી હોય એનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી આખી દુનિયા સામે રાખ્યો છે. મને ખુશી છે કે આઠ વર્ષ પહેલાં શરૂ થયેલું આ અભિયાન બદલાતા સમય સાથે ખુદને વિસ્તારિત કરી રહ્યું છે. દર વર્ષે ડિજિટલ અભિયાનમાં નવા આયામ જોડ્યા છે. ડિજિટલ ઇન્ડિયામાં નવી ટેક્નૉલૉજીનો સમાવેશ થયો છે.’

તેમણે કહ્યું હતું કે ‘ફક્ત આઠ દસ વર્ષ પહેલાંની સ્થિતિને યાદ કરો. બર્થ સર્ટિફિકેટ માટે લાઇન, બિલ જમા કરાવવા માટે લાઇન, રૅશન માટે લાઇન, ઍડ્મિશન માટે લાઇન, ​રિઝલ્ટ અને સર્ટિફિકેટ માટે લાઇન, બૅન્કોમાં લાઇન, આટલી બધી લાઇનોનું સમાધાન ભારતે ઑનલાઇન કરીને કરી દીધું.’

વડા પ્રધાને કહ્યું હતું કે ‘સૌથી મોટી વાત એ છે કે જે પારદર્શિતા આનાથી આવી છે એનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ભ્રષ્ટાચારથી મુક્તિ આપી છે. અમે એ સમય જોયો છે જ્યારે લાંચ આપ્યા વગર કોઈ પણ સુવિધા લેવી મુશ્કેલ હતી. ડિજિટલ ઇન્ડિયાએ સામાન્ય પરિવારનો આ પૈસો પણ બચાવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા વચેટિયાઓના નેટવર્કને સમાપ્ત કરી રહ્યું છે. આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી પાછલાં આઠ વર્ષોમાં ૨૩ લાખ કરોડથી વધુ રૂપિયા સીધા લાભાર્થીઓનાં બૅન્ક ખાતાંમાં મોકલી આપ્યા છે. આ ટેક્નૉલૉજીની મદદથી દેશના ૨ લાખ ૨૩ હજાર કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતા બચી ગયા છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજે ભારત આવનારાં ત્રણ-ચાર વર્ષમાં ઇલેક્ટ્રૉનિક્સ મૅન્યુફૅક્ચરિંગને ૩૦૦ બિલ્યન ડૉલરથી પણ ઉપર લઈ જવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારત ચીપ ટેકરથી ચીપમેકર બનવા માગે છે.’ 

વિજયવાડામાં વડા પ્રધાનના હેલિકૉપ્ટર નજીક કાળા ફુગ્ગા ઉડાડનાર કૉન્ગ્રેસીઓની ધરપકડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વાતંત્ર્યસેનાની અલુરી સીતારામ રાજુની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ​તેમણે ત્યાં સ્વાતંત્ર્યસેનાનીની ૩૦ ફુટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. દરમ્યાન વિજયવાડામાં વડા પ્રધાન મોદીના હેલિકૉપ્ટરે ઉડાન ભરી ત્યાર બાદ કાળા ફુગ્ગાઓ છોડનારા ચાર કૉન્ગ્રેસના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગણાવરમ ઍરપોર્ટ પરથી જેવું હેલિકૉપ્ટર ઊડ્યું કે તરત તેમણે ફુગ્ગાઓ છોડ્યા હતા. જોકે બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સુરક્ષામાં કોઈ ખામી નહોતી. હેલિકૉપ્ટરે ઉડાન ભર્યાની પાંચ મિનિટ બાદ આ ફુગ્ગા છોડવામાં આવ્યા હતા. 

gujarat gujarat news narendra modi shailesh nayak