મોદીએ પશુઓ માટે પણ આયુર્વેદ તરફ વળવાના પ્રયાસોને બિરદાવ્યા

29 July, 2022 08:32 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સાબર ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવા આવેલા વડા પ્રધાને બહેનો સાથે સંવાદ કર્યો અને બહેનોની પ્રગતિ પર ગર્વ મહેસૂસ કરીને તેમનાં વખાણ કર્યાં

સાબરકાંઠાની પશુપાલક બહેનો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો હતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ગુજરાતના સાબરકાંઠાની પશુપાલક બહેનોને મળીને ખુશ થયા હતા અને સંતોષ વ્યક્ત કરી મહિલાઓની પ્રગતિ પર ગર્વ કર્યો હતો અને કહ્યું હતું કે ડેરી બહુ મોટી તાકાત આપી છે. અર્થવ્યવસ્થાને ડેરીએ સુરક્ષા આપી છે અને ડેરીએ પ્રગતિના નવા અવસર આપ્યા છે.

ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા ગઢોડામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરી પ્લાન્ટની નજીક ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રિક ટન પ્રતિદિનની કૅપેસિટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુરત અને ભૂમિપૂજન, ૩૦૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કૅપેસિટીના પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ તેમ જ અન્ય પ્લાન્ટના લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના પ્રધાન મંડળના સભ્યો, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ તેમ જ બીજેપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘હમણાં હું આપણાં પશુપાલક બહેનો જોડે બેઠો હતો. જરા હાલચાલ પૂછતો હતો. મેં કહ્યું, કેમ ચાલે છે બહેનો. વધારો કેવો મળે છે, વધારાનું શુ કરો છે તો બહેનોએ કહ્યું કે સાહેબ, વધારો મળે એનું સોનું ખરીદીએ છીએ.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘આજે મને બહેનોએ એક આનંદની વાત કરી. કદાચ એનો પ્રચાર ઓછો થયો છે. બહેનોએ કહ્યું કે પશુ બીમાર થાય તો આજકાલ આયુર્વેદિક દવાથી પશુઓને ઠીક કરીએ છીએ એટલે પશુઓ માટે દાદીમાની પરંપરા હતી એ પુનઃ જીવિત થઈ છે. આયુર્વેદિક દવાથી પશુઓની દેખભાળ થાય. હું ગુજરાતના ડેરી ક્ષેત્રના લોકોનું, સાબર ડેરીનું હૃદયથી અભિનંદન કરુ છું કે તેઓએ તેમના પશુપાલકોને આયુર્વેદિક દવા દ્વારા પશુઓની ચિકિત્સાનો રસ્તો બતાવ્યો અને મદદ કરી.’

વડા પ્રધાને કહ્યું હતું કે ‘ગુજરાતમાં અમે નિયમ બનાવ્યો હતો કે દૂધ ભરવા કોઈ પણ આવે, દૂધના પૈસા કોઈ પુરુષને નથી આપવાના, દૂધના પૈસા મહિલાઓને જ મળવા જોઈએ. મહિલાઓ પાસે પૈસા જશે તો પાઇ-પાઇનો સાચો ઉપયોગ થશે. એના કારણે મહિલાઓની તાકાત પણ બહુ વધી ગઈ છે.’

મોદીએ શટલિયાવાળાઓ પૅસેન્જરોને બોલાવે એ ભાષાનો પ્રયોગ કરતાં જાહેર સભામાં હાસ્ય ફેલાઈ ગયું

સાબર ડેરીના કાર્યક્રમમાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાની જૂની યાદોને વાગોળી હતી અને કંઈ કેટલાય મિત્રો વડીલોને યાદ કર્યા હતા. એટલું જ નહીં, તેઓએ એસ.ટી. બસ-સ્ટૅન્ડની યાદ તાજી કરીને શટલિયાવાળાઓ પૅસેન્જરોને બોલાવે એ ભાષાનો પ્રયોગ કરતાં જાહેર સભામાં હાસ્ય ફેલાઈ ગયું હતું. નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતાં જૂની યાદો તાજી કરતાં કહ્યું હતું કે ‘જ્યારે સાબરકાંઠા આવ્યો તો એ અવાજ પણ કાનમાં ગુંજતા હોય છે. બસ-સ્ટૅન્ડ પર ઊભા હોઈએ અને ખેડ ખેડ, ઇડર, વડાલી, ભિલોડા, હેંડો, હેંડો, હેંડો... આમ બોલતાં જ સભામાં ઉપસ્થિત સૌકોઈ હસી પડ્યા હતા અને વડા પ્રધાન પણ મલકાઈ ઊઠ્યા હતા. તેઓએ સાબરકાંઠાના અનેક કાર્યકરો, મિત્રો અને તેમના પરિવારો સાથેનાં સંસ્મરણોને વાગોળ્યાં હતાં.

gujarat gujarat news narendra modi shailesh nayak