જાણો શા માટે ગુજરાતના પાટણ શહેરના ડૉક્ટરની આ તસવીર વાઇરલ થઇ

29 April, 2021 06:52 PM IST  |  Ahmedabad | Rachana Joshi

ડૉક્ટર સોહિલ મકવાણા દિવસના દસ-દસ કલાક પીપીઇ કીટ પહેરીને દર્દીઓની સેવા કરે છે અને આ સેવાને જ ધર્મ માને છે

ડૉક્ટર સોહિલ મકવાણા પીપીઇ કીટમાં

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર ચાલી રહી છે. દેશના દરેક રાજ્યમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, હૉસ્પિટલોમાં બેડ અને ઍક્સિજની અછત છે તો મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી હોતી અને સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે કલાકોના કલાકો રાહ જોવી પડે છે. ત્યારે દરેક દર્દીનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દિવસ-રાત મહેનત કરે છે. પીપીઇ કીટ પહેરીને હસતે મોઢે દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરોને અંદર એટલી જ ગુંગળામણ થતી હોય છે. પણ કોઈ જાતની ફરિયાદ કર્યા વગર તેઓ દર્દીઓની સારવાર કરે છે. આ જ રીતે દર્દીઓની સેવા કરતા ગુજરાતના પાટણ શહેરના ડૉક્ટર સોહિલ મકવાણાની તસવીર આજે સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે.

મૂળ રાજકોટના અને અમદાવાદના રહેવાસી ડૉક્ટર સોહિલ મકવાણા છેલ્લા સાત વર્ષથી પાટણના ધારપુરની GMERS મેડિકલ કોલેજમાં ડૉકટર તરીકે ફરજ બજાવે છે. ફાર્મકોલોજીના એમ.ડી. ડૉક્ટર સોહિલ છેલ્લા દોઢ વર્ષથી કોરોના દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત છે. દિવસના દસ-દસ કલાક પીપીઇ કીટ પહેર્યા પછી ડૉક્ટરોની શું હાલત થાય છે તે દર્શાવતી એક તસવીર ડૉક્ટર સોહિલે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી અને તે વાયરલ થઈ ગઈ. લોકોએ ડૉક્ટર સોહિલ અને અન્ય ડૉક્ટરો તેમજ હેલ્થ વર્કરનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી.

સોશ્યલ મીડિયા સેન્સેશન બનેલા ડૉક્ટર સોહિલ મકવાણા સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી હતી. ડૉક્ટર સોહિલ કહે છે કે, ‘ફક્ત હું જ નહીં પણ આપણા દેશમાં જેટલા પણ ડૉક્ટર અને હેલ્થ વર્કર છે તે લોકો છેલ્લા દોઢ વર્ષથી આ જ રીતે કોરોના દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત છે અને પોતાનું સર્વસ્વ આપી દે છે. ગત વર્ષે કોરોના વાયરસ આવ્યો ત્યારે અમને પીપીઇ કીટ પહેરતા સમય લાગતો અને બહુ જ ગુંગળામણ થતી. પણ હવે અમને આ કીટની આદત થઈ ગઈ છે. જ્યારે અમે દર્દીઓને મુશ્કેલીમાં જોઈએ છીએ ત્યારે અમારી ગુંગળામણ ભુલી જઈએ છીએ. ભલે પીપીઇ કીટમાં અંદર પસીનેથી રેબઝેબ થતા હોઈએ પણ જ્યારે કોઈ દર્દીને સાજા થતા જોઈને ત્યારે તેના ચહેરાનું સ્મિત અમને બધું જ ભુલાવી દે. સહુની સેવા એ જ તો અમારો ધર્મ છે’.

કોરોના કાળ દરમિયાન પરિવારથી દુર રહેવું કેટલું મુશ્કેલ છે એ વિશે ડૉક્ટર સોહિલે કહ્યું કે, ‘મારા ઘરે મારા માતા-પિતા સિનિયર સિટીઝન છે. જેમ હૉસ્પિટલમાં દર્દીઓનું ધ્યાન રાખું તેમ ઘરે મારે તેમનું પણ ધ્યાન રાખવાનું રહેતું. તેમને કોઈ ખતરો ન રહે એટલે હું છેલ્લા દોઢ વર્ષથી હૉસ્પિટલના કૅમ્પસમાં શિફ્ટ થઈ ગયો છું. મહિનામાં એકાદ વાર તેમને મળવા અમદાવાદ જવાનું થાય. હૉસ્પિટલમાં દસ દિવસ સતત કોરોનાની ડયુટી પતાવીને આવું પછી બે દિવસ આઈસોલેશનમાં રહું અને એક દિવસ તેમને મળવા જાવ. એ જ રીતે આખું વર્ષ પસાર કર્યું છે. બધા જ હેલ્થવર્કર અને ડૉક્ટરોની આ જ પરિસ્થિતિ છે’.

વૅક્સિન લેવી કેટલી જરુરી છે એ વિશે ડૉક્ટર સોહિલ મકવાણા કહે છે કે, ‘વૅક્સિનનું કારના સીટ બેલ્ટ જેવું છે. કાર ચલાવતા જો તમારો એક્સિડન્ટ થાય ત્યારે તમે સીટ બેલ્ટ પહેરેલો હોય તો પણ તમને ઈજા થાય પણ ઈજા થવાની સંભાવના બહુ જ ઓછી છે. જો ઈજા થાય તો પણ તમે બચી જ જાવ. એજ રીતે જો વૅક્સિન લીધી હોય તો કોરોનાને લીધે મૃત્યુ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. એટલે બધાએ વૅક્સિન લેવી જ જોઈએ’.

 

ડૉક્ટર સાહિલ મકવાણા સ્ક્રીન રાઈટર પણ છે. આવતા મહિને તેમની ક્રાઈમ થ્રિલર નોવેલ પણ પ્રકાશિત થવાની છે. જે તેમણે ગત વર્ષે લૉકડાઉન દરમિયાન લખવાની શરુઆત કરી હતી. બે ભાગમાં પ્રકાશિત થનાર આ ક્રાઈમ થ્રિલર મેડિકલ ફિક્શન છે.

coronavirus covid19 gujarat gujarat news patan ahmedabad