નરેન્દ્ર મોદીએ કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને કર્યું લોકાર્પણ

01 April, 2026 10:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ સંગ્રહાલય જૈનદર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન ધરોહરનું પવિત્ર કેન્દ્ર બન્યું છે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, જૈનાચાર્ય પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને લોકાર્પણ કર્યું હતું.

કહ્યું કે જ્યાં એક તરફ કેટલાક શાસકોએ હિંસાને હથિયાર બનાવીને શાસન કર્યું ત્યાં સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેસીને અહિંસાનો વિસ્તાર કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે શ્રી મહાવીરપ્રભુ જન્મકલ્યાણક અવસરે અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ સંગ્રહાલય જૈનદર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન ધરોહરનું એક પવિત્ર કેન્દ્ર બન્યું છે.

પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબને પગે લાગીને આશીર્વાદ લઈ રહેલા નરેન્દ્ર મોદી.

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, જૈનાચાર્ય પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ, જૈન અગ્રણીઓ તેમ જ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોબા તીર્થમાં સભાને સંબોધી હતી. 

ભગવાન મહાવીરસ્વામીને પુષ્પો અર્પીને આશીર્વાદ લેતા નરેન્દ્ર મોદી. 

સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ જોઈએ...

 આજે હું આચાર્ય કૈલાશસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની સ્મૃતિને વંદન કરું છું. તેમના સપનાએ કોબાની ધરતી પર જ્ઞાન અને શ્રદ્ધાનું આ મહાન કેન્દ્ર સ્થાપિત કર્યું છે. કોબા તીર્થનું આ સ્થળ આધ્યાત્મિક શાંતિથી ઓતપ્રોત છે. હું વર્ષોથી જોતો આવ્યો છું કે કોબા તીર્થમાં કેવી રીતે અધ્યયન, સાધના અને સંયમની સતત પરંપરા ચાલી આવી રહી છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે,
સંસ્કારોને સંબંધ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત બનાવી રાખવી એ આપણા સૌનું દાયિત્વ છે.

 મને ખુશી છે કે હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું સમયાતીત જ્ઞાન, આપણી ધરોહર અને એનાથી મળનારી પ્રેરણાને આવનારી સદીઓ સુધી અમર બનાવવા માટે, એને નવા અને આધુનિક રૂપમાં પહોંચાડવા માટે, આગલી પેઢી સુધી પહોંચાડવા માટે આપણા સંતોએ આ જૈન હેરિટેજ મ્યુઝિયમની સંકલ્પના કરી. આજે એ સંકલ્પના એક ભવ્ય રૂપમાં સાકાર થઈ રહી છે.

 સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ભારતના કોટિ-કોટિ લોકોની ધરોહર છે, આ ભારતના ગૌરવશાળી અતીતની ધરોહર છે.

 સમ્રાટ સંપ્રતિ કેવળ એક ઐતિહાસિક રાજાનું નામ નથી. સમ્રાટ સંપ્રતિ એવો સેતુ છે જે ભારતના દર્શન અને વ્યવહારને જોડે છે, કેમ કે જ્યારે આપણે ઇતિહાસમાં જોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે ભારતમાં સમ્રાટ સંપ્રતિ જેવા શાસકો થયા જેમણે સત્તાને સેવા અને સાધના માનીને કામ કર્યું.

 જ્યાં એક તરફ કેટલાક શાસકોએ હિંસાને હથિયાર બનાવીને શાસન કર્યું ત્યાં સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેસીને અહિંસાનો વિસ્તાર કર્યો.

 સાથીઓ, હું જોઈ રહ્યો હતો કે આ મ્યુઝિયમને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે દરેક કદમ પર ભવ્ય ભારતની ઓળખનાં દર્શન થાય છે. એની ૭ દીર્ઘાઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સંપન્નતાનો ઉદઘોષ કરે છે.

 આ મ્યુઝિયમમાં ભારતની સૌથી મોટી વિશેષતાનાં, સૌથી મોટી તાકાતનાં દર્શન થાય છે. અમારી આ તાકાત છે - ભારતની વિવિધતા અને વિવિધતામાં એકતા.

 દુનિયાએ હંમેશાં મત, મજહબ અને આસ્થાના નામે ટકરાવ જોયો છે; પણ આ મ્યુઝિયમમાં ભારતના બીજા ધર્મોનું પણ ગૌરવશાળી દર્શન થાય છે. વૈદિક અને બૌદ્ધ પરંપરા, વેદપુરાણ, આયુર્વેદ, યોગદર્શનની સુમેળપૂર્વકની પ્રસ્તુતિ, વિભિન્ન પરંપરાઓના બધા રંગ એકસાથે ઇન્દ્રધનુષની જેમ ઉપસ્થિત હોય એ ભારતમાં જ થઈ શકે છે.

 આજે દુનિયામાં જે રીતના
હાલાત છે, જે રીતે વિશ્વમાં અસ્થિરતા અને અશાંતિ છે ત્યારે આ મ્યુઝિયમની વિરાસત, એનો સંદેશ કેવળ ભારત જ નહીં પણ પૂરી માનવતા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે.

 આપણો પ્રયાસ હોવો જોઈએ કે દુનિયાના દેશોમાંથી અહીં આવનારા જિજ્ઞાસુઓ, સ્ટુડન્ટ્સ અને રિસર્ચર્સની સંખ્યા વધુ થાય. જે લોકો અહીં આવે એ લોકો ભારતની જૈન ધર્મની શિક્ષાઓને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડે.

 દેશની પ્રાચીન વિદ્યાપીઠો જેવી કે તક્ષશિલા અને નાલંદા લાખો હસ્તપ્રતોથી ભરેલી હતી જેનો ધાર્મિક સંકુચિતતાથી પ્રેરાઈને વિદેશી આક્રમણખોરો દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. એ મુશ્કેલ સમયમાં સામાન્ય લોકોએ પેઢી દર પેઢી બાકીની હસ્તપ્રતો સાચવી રાખી હતી.

અદ્ભુત વારસો

લોકાર્પણ પછી નરેન્દ્ર મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં દુર્લભ હસ્તપ્રસ્તો અને શિલ્પોનું નિરીક્ષણ કર્યું હતું.

 આચાર્ય ભગવંત પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ જેવું મહાન વ્યક્તિત્વ આવી હસ્તપ્રતોનું મહત્ત્વ સમજ્યા. જીવનનાં ૬૦ વર્ષ ગામ-ગામમાં, શહેર-શહેરમાં પદવિહાર કરીને એક-એક ખૂણેથી તેમણે મૅન્યુસ્ક્રિપ્ટને શોધી. તાડપત્ર, ભોજપત્ર પર લખાયેલી ૩ લાખથી વધુ હસ્તપ્રતો શોધી. એમાંથી કેટલીક સેંકડો વર્ષ જૂની છે. એ જ્ઞાન આજે કોબામાં સુર​િક્ષત અને સંકલિત થયું છે. આ ભારતના અતીતની, ભારતના વર્તમાનની અને આપણા ભવિષ્યની બહુ મોટી સેવા છે.

 પહેલાંની સરકારોએ હસ્તપ્રતોની ઉપેક્ષા કરીને ભૂલ કરી હતી. આજે અમે એનો સુધાર કરી રહ્યા છીએ. એ માટે જ્ઞાન ભારતમ્ મિશન શરૂ કર્યું છે. આ કામમાં અમે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીએ છીએ.

 જ્ઞાન ભારતમ્ મિશન અને કોબા તીર્થનું અસાધારણ યોગદાન સમાજ અને સરકારના આ પ્રયાસ ભારતના નવા સાંસ્કૃતિક અભ્યુદયનું પ્રતીક છે.

 આ મ્યુઝિયમ જ્ઞાન, સાધના, સંસ્કૃતિનું એવું કેન્દ્ર બનશે જેમાંથી નવી પેઢીને પ્રેરણા મળશે અને સમાજને નવી ઊર્જા મળશે.

 આજે ભગવાન મહાવીરસ્વામીના જન્મદિવસે કોબા ખાતેનો કાર્યક્રમ જડોથી જોડવાનો છે, જ્યારે સાણંદ ખાતેનો બીજો કાર્યક્રમ જગત સાથે જોડવાનો છે.

નરેન્દ્ર મોદી અડધા સાધુ છે, અડધા ગૃહસ્થ છે; આપણા દેશનું સદ્ભાગ્ય છે કે વર્ષો પછી આવા વડા પ્રધાન મળ્યા છે જેમણે પુરાતન સંસ્કૃતિને જાગ્રત કરી, ઉજાગર કરી : જૈનાચાર્ય પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ

નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતાં જૈનાચાર્ય પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘જ્યાં સુધી મારો પરિચય છે એ હિસાબે હું કહીશ કે એક એવી વ્યક્તિ જે અડધી સાધુ છે, અડધી ગૃહસ્થ છે. આપણા દેશનું સદ્ભાગ્ય છે કે વર્ષો પછી આવા વડા પ્રધાન મળ્યા છે જેણે પુરાતન સંસ્કૃતિને જાગ્રત કરી, ઉજાગર કરી. દિલ્હીમાં રાજ કરનારા હજારો આવ્યા અને હજારો ગયા, પણ લોકોના દિલમાં રાજ કરનાર વ્યક્તિ બહુ ઓછી આવી. વડા પ્રધાનને હું આશીર્વાદ આપું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પોતાના ભવ્ય ભૂતકાળના ગૌરવને વર્તમાન બનાવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે.’

gujarat news narendra modi ahmedabad gandhinagar gujarati community news jain community indian government culture news