ગુજરાતના સુરતમાં મ્યુકોરમાઈકોસિસના બે કેસ નોંધાયા

13 May, 2021 05:27 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

મ્યુકોરમાઈકોસિસના કેસમાં ઝડપથી થઈ રહ્યો છે વધારો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં એક તરફ કોરોના વાયરસ (COVID-19)ના કેસ વધી રહ્યાં છે. જોકે, ગુજરાતમાં પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. કોરોના બાદ હવે બધું એક નવી બીમારીએ લોકોમાં ટેન્શન વધાર્યું છે. આ બીમારી છે મ્યુકોરમાઇકોસીસ. કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. ગંભીર બિમારીના લક્ષણો જોવા મળતા આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે ગુજરાતના સુરત શહેરમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારસુધી શહેરની વિવિધ હૉસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના ૧૮૫ દર્દીઓ નોંધાયા છે. જેમાંથિ ૬૭ દર્દીઓ સાજા થઈ ગયા છે અને ૯૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે આ બીમારીને કારણે ૧૬ દર્દીઓના મોત થયા છે.

મ્યુકોરમાઇકોસિસમાં ચિંતાની વાત એ છે કે, આ રોગની પ્રારંભિક લક્ષણો સમયે જ સારવાર ન થાય તો દર્દીના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાનો પણ સમય આવે છે. દર્દીને મૃત્યુથી બચાવવા હોય તો સંક્રમિત અંગો કાઢી લઈને અન્ય અંગોમાં એને ફેલાતો રોકવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ રોગ કોરોનામાં ઑક્સિજન સહિતના ગંભીર તબક્કામાંથી પસાર થયેલા કે પછી સાજા થયેલા દર્દીઓને જ વધુ થાય છે.

મગજ સુધી બ્લેક ફંગસ પહોંચી જવાના ગુજરાતના પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા છે. શહેરની સિવિલ, સ્મીમેર અને કિરણ હૉસ્પિટલ મળીને કુલ 185 દર્દીઓ સારવાર હેઠળ છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સાજા કરવા માટે આપવામાં આવતા એમ્ફાથેરાસિન બી ઈન્જેક્શનના ૧૫૦થી ૧૮૦ ડોઝમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો કિડનીને મોટું નુકસાન થઈ શકે છે. દિવસમાં ૫થી ૭ ઈન્જેક્શન આપવા પડે છે. તેમાં ખૂબ સાવચેતી અનિવાર્ય છે. ફૂગને નિયંત્રણ કરીને તેને ફેલાતા અટકાવી શકે તે માટે એમ્ફાથેરાસિન બી સહિતના ઈન્જેક્શનને તૈયાર કરવાની પ્રક્રિયા જ લાંબી છે. અંદાજે દોઢ મહિના સુધીમાં ઈન્જેકશનનો બેચ તૈયાર થતો હોય છે. હાલ જે પ્રમાણે દર્દીઓ વધી રહ્યા છે તેની સામે ઈન્જેક્શનની ડિમાન્ડ મોટી છે. જેના કારણે સરકાર દ્વારા રેમડેસિવિરની જેમ હૉસ્પિટલને ઈન્જેક્શનની જરૂરિયાત પૂરી પાડવા માટેનું આયોજન કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

gujarat gujarat news surat coronavirus covid19