૨૦૦+ ગાયોને ખવડાવવા ૨૦૦૦+ માણસો આવી ગયા, ગાયોની તબિયત બગડે નહીં એટલે ૧૦૦+ મણ ઘાસચારો સાઇડમાં મુકાવ્યો

15 January, 2026 01:24 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

૨૦૦+ ગાયોને ખવડાવવા ૨૦૦૦+ માણસો આવી ગયા, ગાયોની તબિયત બગડે નહીં એટલે ૧૦૦+ મણ ઘાસચારો સાઇડમાં મુકાવ્યો

ગાયોને ઘાસ ખવડાવવા આવેલા લોકોને રણછોડ ભરવાડ અને અન્ય સ્વયંસેવકોએ સમજાવીને ઘાસનો જથ્થો સાઇડમાં મુકાવ્યો હતો.

ઉતરાણના પવિત્ર દિવસે ગાયોને ખવડાવવા ધસારો થયો તો અમદાવાદની અર્જુન ભગત આશ્રમની ગૌશાળા બપોરે ૧૨ વાગ્યા પહેલાં જ બંધ કરી દેવાઈ અને લોકોને સમજાવવામાં આવ્યા કે આજે રહેવા દો, કાલે અમે ખવડાવીશું, લોકોએ પણ એકાદ-બે ડાળખી ઘાસ ખવડાવી પુણ્યનું ભાથું બાંધીને બતાવી સમજદારી

ઉતરાણનો પવિત્ર દિવસ દાન-પુણ્ય કરવાનો દિવસ ગણવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પુણ્ય કરવા જતાં લોકોના હાથે ગાયો માટે મુશ્કેલી ન સર્જાય એ માટે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી અર્જુન ભગત આશ્રમની ગૌશાળાએ ઉદાહરણીય અને અનુકરણીય કાર્ય કર્યું હતું. 

લોકોએ એકાદ-બે ડાળખી ગાયોને ખવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

સવાર-સવારમાં જ ઘાસચારો ઉપરાંત લાડુ અને ઘૂઘરી સહિતની વાનગીઓ ખાઈને ગાયો ધરાઈ ગઈ હોવાથી એમની તબિયત બગડે નહીં એ માટે ઘાસચારો ખવડાવવા આવેલા ધાર્મિક જનોને ગૌશાળાના સંચાલકોએ સમજાવીને અંદાજે ૧૦૦ મણથી વધુ ઘાસચારો સાઇડમાં મુકાવ્યો હતો. ધાર્મિક જનોએ પણ સમજદારી બતાવીને ગાયોને એકાદ-બે ડાળખી ઘાસ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ ભરવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહેલી સવારથી લોકોએ ગાયોને ઘાસ ખવડાવવા ધસારો કર્યો હતો. સવારે સાડાઅગિયાર વાગ્યા સુધીમાં તો અંદાજે ૨૦૦૦થી વધુ લોકો ગાયોને ઘાસ ખવડાવવા આવી ચૂક્યા હતા. ગૌશાળામાં અંદાજે ૨૦૦થી વધુ ગાયો છે એટલે બધી ગાયો ધરાઈ ચૂકી હતી. જો ગાયો વધુ ઘાસ કે બીજી વાનગીઓ ખાય તો એમને આફરો ચડે અને એમની તબિયત બગડે એટલે એક-બે ડાળખી ઘાસ ખવડાવવાની લોકોને અપીલ કરવામાં આવી હતી, તેમની સાથે લાવેલા ઘાસને ગૌશાળામાં મુકાવ્યું હતું અને આ ઘાસચારો બીજા દિવસે ગાયોને ખવડાવવામાં આવશે એવી ખાતરી આપી હતી. લોકોએ પણ આ વાત સમજીને ઘાસ સાઇડમાં મૂકી દીધું હતું. આમ કરતાં અંદાજે ૧૦૦ મણથી વધુ ઘાસ બગડતું અટક્યું હતું જે હવે ગાયોને ખવડાવવામાં આ‍વશે. લોકો ઘાસની સાથે લાડવા અને ઘૂઘરી સહિતની વાનગીઓ પણ લઈને આવ્યા હતા એ પણ મોટાં તપેલાંઓમાં કાઢી હતી. આ બધું જ ગાયોને આપવામાં આવશે. પુણ્ય કરવા જતાં ગાયોને આફરો ન ચડે અને કોઈ સમસ્યા ન થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.’

gujarat news gujarat ahmedabad columnists shailesh nayak makar sankranti uttaran