13 June, 2025 12:07 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નંગથોઈ શર્મા
૨૪ વર્ષની ઍર-હૉસ્ટેસ નંગથોઈ શર્મા મણિપુરના થૌબલ અવંગ લાઇકાઈની રહેવાસી હતી. તે છેલ્લા દોઢ વર્ષથી ઍર ઇન્ડિયામાં કૅબિન-ક્રૂ તરીકે કામ કરતી હતી. ફ્લાઇટ ઊપડતાં પહેલાં ૧૧.૩૮ વાગ્યે તેણે પોતાની મોટી બહેનને મેસેજ કર્યો હતો. તેણે લખ્યું હતું કે ‘હું લંડન જઈ રહી છું, થોડી જ વારમાં ફ્લાઇટ ઊપડશે. આપણે કદાચ થોડા સમય માટે વાત નહીં કરી શકીએ.’ તેનો આ સંદેશ પરિવાર માટે છેલ્લો સંદેશ બની ગયો હતો.
નંગથોઈના પરિવારજનોએ કહ્યું હતું કે ‘તેને શરૂઆતથી જ ઍર-હૉસ્ટેસ બનવું હતું. છેલ્લા એક વર્ષથી તે સતત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કાર્યરત હતી. લંડનની આ ફ્લાઇટ તેના માટે બીજી સિદ્ધિ હતી. આખો પરિવાર દીકરી ગુમાવવાથી શોકાતુર છે.’
જોકે આ અકસ્માતથી આખું મણિપુર શોકમાં છે. નંગથોઈ ઉપરાંત મણિપુરના ચુરાચંદપુરના અન્ય એક કૅબિન-ક્રૂ સિંગસન લેમનુન્થેમે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.