ગુજરાતમાં હોમવોટિંગ શરૂ થયું

26 April, 2024 09:04 AM IST  |  Gandhinagar | Shailesh Nayak

સિનિયર સિટિઝનોએ ફરજ નિભાવીને આપ્યો સંદેશ-મતદાન કરવા જઈએ તો યોગ્ય માણસ ચૂંટાય

અમદાવાદમાં ૮૮ વર્ષનાં જસવંતી નાયક અને ૮૯ વર્ષનાં અરુણા સુતરિયાએ ઘેરબેઠાં વોટિંગ કર્યું હતું

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં વોટિંગ શરૂ થયું છે. આ વોટિંગ ૨૭ એપ્રિલ સુધી ચાલશે. ચૂંટણીતંત્ર દ્વારા સિનિયર સિટિઝન્સના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતાં વરિષ્ઠ નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. અમદાવાદમાં ઘેરબેઠાં વોટિંગ કરવા મળતાં ૯૧ વર્ષનાં હસુમતીદાદીએ વોટિંગ કરીને ખુશી વ્યક્ત કરી હતી તો મોરબીનાં ૮૮ વર્ષનાં જયાબા, અમદાવાદનાં ૮૯ વર્ષનાં અરુણાબા અને ૮૫ વર્ષના ઠાકુરભાઈદાદા મતદાન કરીને આનંદિત થયાં હતાં.

અમદાવાદમાં રહેતાં ૮૮ વર્ષનાં જસવંતી નાયકે મતદાનપર્વમાં ઉત્સાહ સાથે સહભાગી થતાં પોતાનો વોટ આપીને કહ્યું હતું કે ‘વોટ તો આપવો જ જોઈએ. આજે લોકો આળસમાં મતદાન કરવા જતા નથી, પરંતુ મતદાન કરીએ તો યોગ્ય માણસ ચૂંટાય.’

અમદાવાદમાં રહેતાં ૮૯ વર્ષનાં અરુણા સુતરિયાએ ઘેરબેઠાં મતદાન કર્યા પછી કહ્યું હતું કે ‘અત્યાર સુધી મેં બધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, પણ આજના સમયે લોકો મતદાન કરવા કેમ જતા નથી? ખરેખર મતદારોએ મતદાન કરવું જોઈએ.’

અમદાવાદની જેમ મોરબીમાં પણ દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટિઝન્સે ઉત્સાહભેર વોટિંગ કર્યું હતું. મોરબીનાં ૮૮ વર્ષનાં મતદાતા જયા શાહે લોકશાહીધર્મ નિભાવતાં મતદાન કરીને ઘેરબેઠાં મતદાન કરાવવા માટે ચૂંટણીપંચનો આભાર માન્યો હતો.

Lok Sabha Election 2024 gujarat gujarat news ahmedabad gandhinagar shailesh nayak