તીથલના શાંતિનિકેતન સાધના કેન્દ્રમાં પૂજ્યશ્રી કીર્તિચન્દ્રજી મહારાજસાહેબ કાળધર્મ પામ્યા

13 January, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમની પાલખી ગઈ કાલે શાંતિનિકેતન સાધના કેન્દ્રથી તીથલના દરિયાકિનારે લઈ જવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

યોગસાધક પૂજ્ય મુનિરાજશ્રી કીર્તિચંદ્રવિજયજી મહારાજસાહેબ (બંધુત્રિપુટી) શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તીથલના જૈન ઉપાશ્રયમાં ગઈ કાલે વહેલી સવારે સમાધિપૂર્વક ૮૨ વર્ષની વયે કાળધર્મ પામ્યા હતા. તેમની પાલખી ગઈ કાલે શાંતિનિકેતન સાધના કેન્દ્રથી તીથલના દરિયાકિનારે લઈ જવામાં આવી હતી જ્યાં સાંજના ૪ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

મુનિશ્રીએ ૧૦ વર્ષની નાની ઉંમરે સંયમ ગ્રહણ કર્યો હતો. તેમણે ૨૦ વર્ષ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મહારાષ્ટ્રમાં પદયાત્રાઓ કરીને આત્મસાધનાની સાથે હજારો લોકોને ધર્મના માર્ગે વાળ્યા હતા. તેઓ છેલ્લાં ૨૫ વર્ષથી યુરોપ, અમેરિકા,  આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં યોગ અને ધ્યાનશિબિરો યોજીને હજારો સાધકોને તનની સ્વસ્થતા, મનની પ્રસન્નતા અને આત્મજાગૃતિની સાચી દિશા બતાવીને સૌના કલ્યાણમિત્ર બન્યા હતા. તેમણે તીથલના સમુદ્રતટે રમણીય વાતાવરણમાં મુમુક્ષુઓ માટે જ્ઞાન, ધ્યાન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમું અધ્યાત્મતીર્થ સ્થાપ્યું હતું જે શાંતિનિકેતન સાધના કેન્દ્રના નામે આજે વિશ્વભરમાં વિખ્યાત બન્યું છે. 

gujarat news gujarat surat religious places jain community gujarati community news