24 April, 2025 09:15 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની સીઝનમાં ફરવા માટે સહેલાણીઓની પહેલી પસંદ હિલ સ્ટેશન હોય છે ત્યારે આ સીઝનમાં ગુજરાતમાંથી કાશ્મીર જવા માટે ભારે ધસારો હતો અને એક લાખથી વધુ સહેલાણીઓએ જૂન એન્ડ સુધીમાં કાશ્મીર જવા માટે બુકિંગ કરાવ્યું છે ત્યારે કાશ્મીરમાં બનેલી આતંકી ઘટનાથી ભયભીત થઈ ઊઠેલા સહેલાણીઓ તેમનાં બુકિંગ રદ કરાવી રહ્યાં છે જેના કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. એટલું જ નહીં, ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ગઈ કાલે અમદાવાદમાં ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના પ્રતિનિધિઓની બેઠક મળી હતી અને જેમને કાશ્મીર ન જવું હોય તેમને રીફન્ડ અપાશે, પ્રોગ્રામ ચેન્જ કરવો હોય તો કરી આપવા માટેના નિર્ણયો લેવાયા હતા.
ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી, ગુજરાતના ચૅરમૅન મનીષ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં કાશ્મીરમાં ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને અમદાવાદમાં ટૂર્સ-ઑપરેટર્સની બેઠક મળી હતી જેમાં ગુજરાતમાંથી ૫૦થી વધુ ટૂર્સ-ઑપરેટર્સ અને અસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં એવું નક્કી થયું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને અત્યારે ત્યાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જોતાં જેમણે કાશ્મીર માટે ટૂર-બુકિંગ કરાવ્યું હોય અને ન જવું હોય તેમને ૧૦૦ ટકા રીફન્ડ આપવું, ટૂર-પ્રોગ્રામ ચેન્જ કરવો હશે તો ચેન્જ કરી આપવામાં આવશે અને પ્રવાસીઓની સવલત સાચવી લેવાશે. પ્રવાસીઓ જ્યારે ફરવા જતા હોય છે ત્યારે આનંદ માટે જતા હોય છે, જીવનનો અમૂલ્ય ટાઇમ પરિવાર સાથે સ્પેન્ડ કરતા હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં પ્રવાસી સ્ટ્રેસ અને ટેન્શનમાં હોય તો તેને આગ્રહ ન કરાય. આવા સંજોગોમાં ગુજરાતના તમામ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ ઑપરેટર્સ પ્રવાસીઓ સાથે છે. ઍરલાઇન્સ અને હોટેલિયર્સ સાથે કો-ઑર્ડિનેટ કરીને પ્રવાસીઓને નુકસાન ન થાય એ માટે અમે કટીબદ્ધ છીએ.’