પહેલી વાર જગન્નાથ માટે બખ્તર શણગાર તૈયાર કરાયા

23 June, 2022 08:37 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ શરૂ : છેલછોગાળા, મીઠી મોરલીવાળા માટે બનાવી ત્રણ છોગાંવાળી પાઘડી

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી માટે આ વર્ષે પહેલી વાર બખ્તર શણગાર તૈયાર કરાયા છે.

ગુજરાતમાં આવેલા અમદાવાદમાં આ વર્ષે નીકળનારી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રામાં પહેલી વાર જગતના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી માટે બખતર શણગાર તૈયાર કરાયા છે. તો બીજી તરફ આ ઐતિહાસિક રથયાત્રામાં જે રથમાં બેસીને પ્રભુ નગરયાત્રા કરે છે એ હાલના ત્રણ રથ અમદાવાદ શહેરમાં છેલ્લી વાર ફરશે અને આવતા વર્ષે નવા રથ આવશે.

અમદાવાદના જગન્નાથજી મંદિરમાંથી પહેલી જુલાળએ ૧૪૫મી રથયાત્રા નીકળશે. કોરોનાના કારણે ભાવિકો ગયા વર્ષે રથાયાત્રામાં જોડાયા નહોતા પણ આ વર્ષે ભાવિકો રથયાત્રામાં જોડાવાના છે ત્યારે મંદિર સત્તાવાળાઓ દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મગ પ્રસાદ માટે મગ વીણવાની, ત્રણ રથોને રંગરોગાન અને ત્રણેય ભગવાનના સાત જોડ વાઘા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે છેલછોગાળા, મીઠી મોરલીવાળા જગન્નાથજી રથાયાત્રામાં ત્રણ છોગાંવાળી પાઘડી પહેરીને મહાલશે.

પ્રભુનાં ભજનો ગાતાં-ગાતાં મગની સફાઈ કરી રહેલી મહિલાઓ

છેલ્લાં ૧૮ વર્ષથી ભગવાનના વાઘા બનાવી રહેલા અને ૧૯મા વર્ષે પણ પ્રભુ માટે પરિવાર સાથે મળીને વાઘા બનાવી રહેલા સુનીલ વાઘાવાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પહેલી વાર ટીકા, મોતી અને જરદોશીના ઉપયોગથી ત્રણ ડિઝાઇનર બખતર બનાવ્યાં છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી માટે આ બખતર શણગાર તૈયાર કર્યા છે. આ શણગાર તૈયાર કરવા પાછળ એવો ભાવ છે કે કોરોનાથી સૌ સુરક્ષિત રહે એવા આશીર્વાદ સાથે પ્રીકૉશન માટે પ્રેરણા આપે છે. ત્રણેય ભગવાન માટે અમાસ, એકમ અને બીજના દિવસ માટે સાત જોડ વાઘા તૈયાર કર્યા છે. આ વખતે અમે હૅન્ડમેડ એક, બે અને ત્રણ છોગાંની પાઘ, જરદોશીનો મુગટ તેમ જ ડાયમન્ડનો મુગટ તૈયાર કર્યો છે. મંદિરના દિલીપદાસજી મહારાજની પ્રેરણાથી આ વાઘા તૈયાર કરી રહ્યા છીએ. અમે વૃન્દાવન, સુરત અને મથુરાથી વેલ્વેટ, સિલ્ક અને ખાદી સિલ્ક મગાવીને એમાંથી વાઘા તૈયાર કર્યા છે જેમાં મોરની ડ‌િઝાઇન પણ રાખી છે.

જગન્નાથજી મંદિરની સામે મૂકવામાં આવેલા ત્રણ રથને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લી ત્રણ પેઢીથી આ રથોનું રંગકામ અમદાવાદના રોહિત ખલાસ અને તેમની સાથે મનુભાઈ સહ‌િતના સેવાભાવી લોકો કરી રહ્યા છે. બીજી તરફ મંદિર પરિસરમાં મોટી સંખ્યા મહિલાઓ ભજન કરતી કરતી મગ વીણી રહી છે. મંદિરમાં પણ લાઇટિંગ સહ‌િતના શણગાર કરવામાં આવી રહ્યા છે.

પ્રભુના ત્રણ રથોને રંગરોગાન કરવામાં આવી રહ્યો છે, આ ત્રણ રથ છેલ્લી વાર અમદાવાદમાં ફરશે

રથના મુદ્દે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલમાં જે ત્રણ રથ છે એ જૂના થઈ ગયા છે એટલે આવતા વર્ષે નવા રથ બનાવામાં આવશે જેથી હાલના રથ છેલ્લી વાર શહેરમાં ફરશે.

gujarat gujarat news ahmedabad shailesh nayak