ડમ્પિંગ સાઇટ લીલાછમ વનમાં ફેરવાઈ

12 August, 2022 08:40 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

૮.૫ હેક્ટરમાં વેસ્ટ લૅન્ડમાં કચરો ડમ્પ કરાતો હતો ત્યાં હવે ૨,૮૫,૯૮૬થી વધુ ફૂલછોડ, વૃક્ષો ઉગાડાયાં છે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન, જે હવે આ વિસ્તારનાં ફેફસાં તરીકે કામ કરે છે

એક સમયે અમદાવાદમાં જ્યાં કચરો નખાતો હતો એ જગ્યાએ આજે હર્યુંભર્યું વન બન્યું છે. અમદાવાદમાં બનેલુ જડેશ્વર વન ગુજરાતનું પહેલું એવું વન છે જેનું નિર્માણ ડમ્પિંગ સાઇટ પર કરવામાં આવ્યું છે. આજે આ વનમાં પોણાત્રણ લાખથી વધુ ફૂલછોડ અને ઝાડવાં લહેરાઈ રહ્યાં છે અને પર્યાવરણને સ્વચ્છ રાખવા સાથે આસપાસના રહીશોને સ્વસ્થ રાખવાના  પ્રયાસ આ અનોખા જડેશ્વર વન દ્વારા થઈ રહ્યા છે.

ગુજરાતમાં આજે ૭૩મો વન મહોત્સવ ઊજવાશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજમાં સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ કરશે ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અનોખું જડેશ્વર વન આવ્યું છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટર પાસે ૮.૫ હેક્ટર વેસ્ટ લૅન્ડમાં પહેલાં કચરો ડમ્પ થતો હતો. આ જગ્યાને વનવિભાગને ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૯માં અહીં જડેશ્વર સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું હતું. આજે આ વન સ્થાનિક રહીશોને ભરપૂર પ્રમાણમાં શુદ્ધ પ્રાણવાયુ પૂરો પાડી રહ્યું છે.

અમદાવાદના નાયબ વનસંરક્ષણ, સામાજિક વનીકરણ વિભાગનાં ડૉ. સક્કીરા બેગમે કહ્યું હતું કે ‘આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લોકો માટે ફરવાનું સ્થળ બની રહે એ માટે ડમ્પિંગ યાર્ડમાંથી ઍસેટના હેતુથી બનાવવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રજાતિનાં ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ અને વૃક્ષો તેમ જ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. વિવિધ ૨૨ બ્લૉકમાં જુદી જુદી જાતનાં દરેક ઋતુમાં ફૂલો આપતાં છોડવાં અને વૃક્ષો છે અને એની વચ્ચે આશરે ૪.૫ કિલોમીટર લાંબું વૉકિંગ ટ્રેઇલ પણ છે. એટલે આ સાંસ્કૃતિક વનમાં વાવેલાં વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ પાંચ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦મા વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. એટલે આ વન આ વિસ્તારનાં ફેફસાં તરીકે કાર્ય કરે છે.’

તેમણે દાવો કરતાં એમ પણ કહ્યું હતું કે ‘આ જડેશ્વર વન દેશનું પ્રથમ એવું વન છે જેના પર વન વિભાગે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની મદદથી સ્પેશ્યલ કવર લૉન્ચ કર્યું છે.’

જડેશ્વર વનમાં એક કિલોમીટર લાંબા વૉકિંગ ટ્રૅક અને જૉગિંગ ટ્રૅકની સુવિધા પણ છે, જ્યાં બન્ને તરફ દર ૧૦૦ મીટર પર વિવિધ ઋતુઓમાં જુદાં-જુદાં ફૂલોથી શોભતાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. અહીં અનોખો કમળકુંડ છે જે કમળનાં ફૂલોથી સુશોભિત રહે છે. એના પર કમાન આકારનો ઝૂલતો પુલ પણ છે, જે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ વનમાં ઍક્ટિવિટી એરિયા અને ઑર્ગેનિક નર્સરી પણ છે. આ ઉપરાંત વનમાં થતા તમામ જૈવિક કચરામાંથી ખાતર બનાવવા માટે એક કૉમ્પોસ્ટ પિટ પણ છે.

gujarat gujarat news ahmedabad shailesh nayak