26 November, 2026 10:46 AM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
કાર્તિકી પૂર્ણિમાની મધરાતે ૧૨ વાગ્યે આકાશમાં સોમનાથ મંદિરના શિખરની સીધી રેખામાં દેખાતો ચંદ્ર અને સોમનાથ મહાદેવનાં દર્શન કરવા ઊમટેલા ભક્તો
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર કાર્તિકી પૂર્ણિમાની મધરાતે પ્રકૃતિ અને પરમાત્માના આધ્યાત્મિક સંયોગને નિહાળવા માટે શિવભક્તો ઊમટ્યા હતા. ભક્તજનોએ પ્રકૃતિ અને પરમાત્માના આ અલૌકિક સંયોગનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
કાર્તિકી પૂર્ણિમાની મધરાતે ૧૨ વાગ્યે આકાશમાં ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખરની સીધી રેખામાં આવી પહોંચ્યા હતા. ચંદ્રદેવ ભગવાન સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર જાણે કે અમૃતવર્ષા કરી રહ્યા હોય એવો દિવ્ય નઝારો સર્જાયો હતો. ખગોળીય અને આધ્યાત્મિકતાના સંયોગનાં દર્શન કરવા માટે મંદિર-પરિસરમાં તેમ જ મંદિરની આસપાસ મોટી સંખ્યામાં ધાર્મિકજનો એકત્રિત થયા હતા. આ દિવ્ય સંયોગનાં દર્શન કરીને ભક્તજનોએ હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષ કર્યા હતા. મધરાતે ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. મંત્રોચ્ચાર, શંખનાદ અને ઘંટારવ સાથે યોજાયેલી આ મહાઆરતીનાં દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
પુરીના જગન્નાથ મંદિરના નીલચક્રમાં પૂર્ણિમાનો ચંદ્ર
મંગળવારે રાતે કારતક પૂર્ણિમા એટલે કે દેવદિવાળીની રાતે ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરના શિખર પર આવેલા નીલચક્રની અંદર આખો ચંદ્ર બરાબર બંધ બેસી જાય એ રીતે દેખાયો હતો. આ દૃશ્ય ખૂબ જ દુર્લભ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ શુભ સંયોગ હોવાનું મનાય છે. મંદિરનાં શિખર પર સ્થપાયેલું અષ્ટધાતુનું નીલચક્ર ભગવાન વિષ્ણુના સુદર્શનચક્રનું પ્રતીક કહેવાય છે. એની વચ્ચે પૂર્ણ ચંદ્રમા દેખાય એ ભગવાન જગન્નાથની વિશેષ કૃપા છે. દેવદિવાળીના દિવસે પુરીમાં લાખો શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરીને મહાપ્રભુના રાજરાજેશ્વર સ્વરૂપના દર્શન માટે આવે છે.