ગાંધીનગરમાં કર્મચારીઓ સરકાર વિરુદ્ધ મેદાને પડ્યા

10 May, 2022 10:41 AM IST  |  Mumbai | Shailesh Nayak

શિક્ષકો સહિત વિવિધ સંગઠનોના કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરીને જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે પોતાની માગણીઓ રજૂ કરી

ગાંધીનગરમાં ગઈ કાલે ધરણાં - પ્રદર્શનમાં ઊમટેલા કર્મચારીઓ.

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે ગઈ કાલે હજારો કર્મચારીઓ ગાંધીનગરમાં  ઊમટ્યા હતા. શિક્ષકો સહિત વિવિધ સંગઠનોના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આવ્યા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન સાથે ધરણાં કરીને પોતાનો અવાજ બુલંદ બનાવ્યો હતો.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ શિક્ષણ, આરોગ્ય, પંચાયત સહિતના વિભાગોનાં નાનાં-મોટાં અંદાજે ૭૨ જેટલાં મંડળોએ એક થઈને ગાંધીનગરમાં તેમની પડતર માગણીઓના મુદ્દે ગઈ કાલે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પ્રદર્શન યોજ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ ઊમટ્યા હતા અને એક રીતે જાણે કે પોતાની માગણીઓની બાબતે શક્તિપ્રદર્શન કર્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.
કર્મચારી એકતા ઝીંદાબાદના સૂત્રોચ્ચારથી સત્યાગ્રહ છાવણીનું કૅમ્પસ ગાજી ઊઠ્યું હતું. આ કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરો, ૪૨૦૦નો ગ્રેડ પે આપો, સાતમા પગાર પંચના ભથ્થા ચાલુ કરો, દરેક કેડરની સળંગ નોકરી ગણવી સહિતના પ્રશ્નોની માગણીઓ રજૂ કરી હતી.
મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થવાના હોવાથી પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે કર્મચારીઓનું આ ધરણાં પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. ખરા બપોરે સરકાર સામે ધરણાં પ્રદર્શન યોજ્યું હતું તેમ છતાં પણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ આવ્યા હતા અને એકતાના દર્શન કરાવ્યા હતા.

Gujarat gujarat news ahmedabad shailesh nayak