અમદાવાદમાં બાળકો પણ કોરોનાની લપેટમાં

03 April, 2021 11:08 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

છ બાળકો સંક્રમિત થતાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયાં : છેલ્લા આઠ દિવસમાં અમદાવાદમાં કોવિડના ૪૮૬૫ કેસ

અમદાવાદમાં ગઈ કાલે કોરોના-વૅક્સિન લેવા માટે બેઠેલાં જૈન સાધ્વીજીઓ.

કોરોનાની બીજી લહેરમાં ગઈ કાલ સુધીના છેલ્લા આઠ દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૪૮૬૫ કેસ નોંધાયા છે અને ૨૧ દરદીઓનાં મૃત્યુ થયાં છે ત્યારે હવે બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં હોવાના કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત ૬ બાળ દરદીઓ સારવાર માટે દાખલ થયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા આઠ દિવસમાં રોજ ૬૦૦થી વધુ નાગરિકો સંક્રમિત થઈ રહ્યા હોવાના કેસ નોંધાઈ રહ્યા છે. માત્ર અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અત્યારે ૫૬૦ દરદીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે, જેમાંથી ૧૨ દરદીઓ વેન્ટિલેટર પર છે અને ૨૭૩ દરદીઓ ઑક્સિજન પર છે. અમદાવાદમાં વધતા જતા કેસના પગલે કિડની હૉસ્પિટલને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે અને જરૂર પડે તેમાં પણ દરદીઓની સારવાર કરવામાં આવશે.
બીજી લહેરમાં ગુજરાતનાં શહેરોમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા સહિતનાં શહેરોમાં પણ કોરોનાથી બાળકો પણ સંક્રમિત થયાં છે અને હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.

gujarat ahmedabad coronavirus shailesh nayak covid19