04 March, 2026 09:35 AM IST | Sarangpur | Gujarati Mid-day Correspondent
હનુમાનમંદિરમાં રંગોનો બ્લાસ્ટ કરીને તેમ જ ફૂલોની છોળો ઉડાડીને ભક્તજનોને રંગવામાં આવ્યા હતા.
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે આધ્યાત્મિકતાના વાતાવરણમાં રંગોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ હતી. ૫૧,૦૦૦ કિલો ઑર્ગેનિક રંગો અને ફૂલોથી હોળી રમાડવામાં આવી હતી જેમાં દોઢ લાખથી વધુ ભક્તો હનુમાનદાદાના રંગે રંગાયા હતા.
ગુલાબી, લાલ, પીળો, નારંગી સહિતના ઑર્ગેનિક કલર છોટાઉદેપુરમાં બનાવડાવ્યા હતા. ઉત્સવમાં ૧૦૦૦ કિલો હજારીગલ તેમ જ ગુલાબ સહિતનાં મિક્સ ફૂલોની ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. દેશ અને દુનિયામાંથી પધારેલા ૧,૫૦,૦૦૦થી વધુ ભક્તોને સંતોએ રંગો અને પુષ્પોથી હોળી રમાડી હતી. મંદિર-પરિસરમાં ૭૦થી ૮૦ ફુટ ઊંચા ૫૦૦ જેટલા રંગોના બ્લાસ્ટ કરાયા હતા જેના કારણે મંદિર-પરિસર રંગોથી તરબતર થઈ ગયો હતો. ઍરપ્રેશર મશીનથી ભક્તો પર કલર ઉડાડ્યો હતો. શણગાર-આરતી બાદ ફૂલડોલોત્સવમાં હનુમાનદાદાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. હનુમાનદાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો હતો.