06 December, 2024 11:50 AM IST | Ahmedabad | Shailesh Nayak
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતી તૈયારીઓ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑનલાઇન ઉપસ્થિત રહેશે: કોરિયોગ્રાફી સાથેનું અદ્ભુત આયોજન પ્રોફેશનલ નહીં પણ પૅશન સાથે થયું છે જેમાં બે હજાર કાર્યકરો પર્ફોર્મ કરશે: LED લાઇટથી ભારત અને BAPSનો ફ્લૅગ ક્રીએટ કરવામાં આવશે
મુંબઈમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સ્વયંસેવકો માટે પ્રમુખસ્વામી મહારાજે મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું એને ૫૦ વર્ષ પૂરાં થતાં દેશવિદેશના કાર્યકરોની સેવાને બિરદાવવા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ૭ ડિસેમ્બરના શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે. આવું પહેલી વાર બનશે કે દેશવિદેશના એક લાખ કાર્યકરોનું સન્માન થશે. આ કાર્યકરોની નિ:સ્વાર્થ સેવાઓને બિરદાવવા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં કાર્યકર સુવર્ણ મહોત્સવનો આ વર્ષે સુરતમાં જાન્યુઆરીમાં આરંભ થયો હતો, જેની ગ્રૅન્ડ ફિનાલે હવે આવતી કાલે યોજાશે.
વિવેકજીવનદાસ સ્વામીએ કહ્યું હતું કે ‘વર્લ્ડની હિસ્ટરીમાં સંભવિત રીતે પહેલી વાર આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં ધાર્મિક સંસ્થા દ્વારા દેશવિદેશના એક લાખ સ્વયંસેવકોને સન્માનવાનો કાર્યક્રમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPSના કાર્યકરો છેલ્લાં ૫૦ વર્ષોથી આધ્યાત્મિક સેવા નિઃસ્વાર્થ રીતે કરી રહ્યા છે.’
કાર્યકર સુવર્ણ મહોત્સવના હેતુ વિશે માહિતી આપતાં અક્ષરવત્સલદાસ સ્વામી કહે છે, ‘૧૯૦૭માં BAPS સ્વામિનારાયણ સંસ્થાની વિધિવત રીતે સ્થાપના બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કરી હતી. સંસ્થાના સર્જનમાં જેમણે સમર્પણ કર્યું છે એ સ્વયંસેવકોની પરંપરા ૧૯૦૭થી લઈને આજ સુધી ગતિમાં રહી છે. BAPSની સ્થાપનાને ૧૨૦ વર્ષ થવા આવ્યાં છે, આ યાત્રા આ સ્વયંસેવકોના સમર્પણને આધારે ચાલી રહી છે. ૧૯૭૨માં પ્રમુખસ્વામી મહારાજે આ સ્વયંસેવકો માટે વિધિવત રીતે મુંબઈમાં મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું એ વાતને ૨૦૨૨માં ૫૦ વર્ષ પૂરાં થયાં હતાં, પરંતુ ૨૦૨૨માં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઊજવાયો હતો એટલે મહંતસ્વામી મહારાજ અને સંસ્થાએ એવું નિર્ધારિત કર્યું કે મધ્યસ્થ કાર્યાલયનો સુવર્ણ મહોત્સવ ૨૦૨૪માં ઊજવીશું અને કાર્યકરોને બિરદાવીશું. એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ કાર્યકરોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાશે. આ સ્વયંસેવકોએ ધાર્મિક કાર્યક્રમોમાં સેવાઓ આપી છે. એ ઉપરાંત ભૂકંપ હોય કે સુનામી હોય કે કોવિડ જેવી ઘટનાઓ હોય કે પછી યુક્રેન યુદ્ધ હોય, BAPSના કાર્યકરો નિઃસ્વાર્થ રીતે સેવા માટે એક અવાજે આગળ આવ્યા છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાને સ્વયંસેવક તરીકે ઉમેરવા કહ્યું હતું એ વિશે વાત કરતાં બ્રહ્મવિહારી સ્વામી કહે છે, ‘આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. તેમણે અગાઉ ઘણીબધી વાર કહ્યું છે કે તમારા ૮૦ હજાર કાર્યકરો છે એમાં એક ઉમેરજો, એંસી હજારને એક એ હું. નરેન્દ્ર મોદી ઉપરાંત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ પ્રધાનમંડળના સભ્યો ઉપરાંત મહાનુભાવો હાજર રહેશે. કોઈ પણ કાર્યક્રમ યોજાય ત્યારે સ્વયંસેવકો સેવામાં હોય છે એટલે તેઓ કોઈ કાર્યક્રમ જોતા નથી પરંતુ બધાના મનમાં એવી ભાવના હતી કે બધા સંતો અને ભક્તો મહેનત કરે અને સેવા કરે અને કાર્યકરો ઑડિયન્સમાં બેસે. આ દુર્લભ પ્રસંગ છે.’
પહેલાથી લઈ આજ સુધીના સ્વયંસેવકોના સાક્ષી બન્યા છે મહંતસ્વામી મહારાજ
BAPSના પહેલા સ્વયંસેવકના પત્રમાં સહી મહંતસ્વામીએ કરી હતી: ૧૧ સ્વયંસેવકોથી શરૂઆત થઈ હતી, આજે લાખો સ્વયંસેવકો સેવા માટે તૈયાર છે
BAPSના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજ વિશે રસપ્રદ વાત કરતાં બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે ‘૧૯૭૨માં જ્યારે પ્રમુખસ્વામી મહારાજે સંકલ્પ કર્યો હતો કે કાર્યકરોનું એક માળખું કરીએ ત્યારે પહેલાં ૧૧ કાર્યકરો હતા, જેમાં ૮ ભારતના અને ૩ પરદેશના હતા જેમાં અમેરિકા, ઇંગ્લૅન્ડ અને આફ્રિકાના એક-એક સ્વયંસેવક હતા. આ સ્વયંસેવકોનો પ્રથમ પરિપત્ર લખાયો એ ઈશ્વરચરણ સ્વામીએ લખ્યો હતો અને એમાં સહી ગુરુહરિ મહંતસ્વામી મહારાજે કરી હતી એટલે સ્વયંસેવકો માટેના પહેલા પત્રમાં સહી મહંતસ્વામીના હાથે થઈ ત્યારે ૧૧ કાર્યકરો હતા, આજે એક લાખ કાર્યકરો ભેગા થાય છે ત્યારે આ આખી સફરના પ્રેરક અને સાક્ષી મહંતસ્વામી મહારાજ રહ્યા છે એ રૅર ઘટના કહી શકાય.’
મહિલા સ્વયંસેવકો કલ્ચરલ પ્રોગ્રામ માટે ડેકોરેશનનું કામ કરી રહી છે. ફોટો - જનક પટેલ.
શું હશે કાર્યક્રમમાં?
ટ્રીઝ, સીડ્સ અને ફ્રૂટ્સની ત્રણ થીમ પર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં આખું ગ્રાઉન્ડ સ્ક્રીન બનશે, કોરિયોગ્રાફી સ્ટેજ બનશે. ઑડિયન્સમાં કાર્યકરો હશે અને તેમની સેવામાં ૧૫ હજાર વિશિષ્ટ કાર્યકરો હશે. બે હજાર કાર્યકરો પર્ફોર્મ કરશે. મહંતસ્વામીનો રથ સ્ટેડિયમમાં ફરશે ત્યારે માર્ગ ગુલાબી પાંખડીઓથી ભરાશે. મહંતસ્વામીના ગયા પછી એ પાંખડીઓ ગોલ્ડન થઈ જશે. આ પહેલું એવું આયોજન છે જે પ્રોફેશનલ નથી, પૅશનવાળું છે. LED લાઇટથી ભારતનો અને BAPSનો ફ્લૅગ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે છેલ્લા એક વર્ષથી આયોજન ચાલી રહ્યું હતું. છેલ્લા ૧૫ દિવસથી કાર્યકરોએ મંદિરની જેમ સ્ટેડિયમને સાફ કર્યું છે અને એક-એક ખુરશીને સાફ કરી પોતાં કર્યાં છે. મંદિરની ભાવનાથી આ સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. - બ્રહ્મવિહારી સ્વામી