દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી હાલાકી

01 August, 2026 08:53 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ૧૬,૨૬૩ લોકોનું સ્થળાંતર : ૪૧ લોકોને કરવામાં આવ્યા રેસ્ક્યુ : સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ ૪૬૭ મિલીમીટર વરસાદ ખાબક્યો : માત્ર ૧ ઇંચ વરસાદમાં અમદાવાદ થયું પાણી-પાણી

અમદાવાદમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો હેરાન થઈ ગયા હતા (તસવીર : જનક પટેલ)

ગુજરાતમાં ગઈ કાલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું જાણે કે રૌદ્ર સ્વરૂપ દેખાયું હતું. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ ૪૬૭ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગુજરાતમાંથી ૧૬,૨૬૩ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, જ્યારે ૪૧ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. ગુજરાતમાં ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ૨૦૧ તાલુકામાં વરસાદ પડયો હતો.

સુરત જિલ્લાના અંબિકા તાલુકા ઉપરાંત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૩૪૫ મિલીમીટર, નવસારી જિલ્લાના વાંસદામાં ૩૩૬ મિલીમીટર, ભરૂચના નેત્રંગમાં ૩૧૪ મિલીમીટર, વલસાડના ધરમપુરમાં ૨૫૬ મિલીમીટર, સુરત જિલ્લાના ઉમરપાડામાં ૨૫૪ મિલીમીટર, માંગરોળમાં ૨૫૩ મિલીમીટર, ખેડાના વસોમાં ૨૪૫ મિલીમીટર, નડિયાદમાં ૨૨૭ મિલીમીટર, ડાંગના સુબીરમાં ૨૨૬ મિલીમીટર, આણંદમાં ૨૨૩ મિલીમીટર, ડાંગના વઘઈમાં ૨૦૪ મિલીમીટર અને સુરતના પલસાણામાં ૨૦૧ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

ગુજરાતના પંચાવન તાલુકાઓમાં ૧૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો હતો.

પૂર્ણા નદીના ઘોડાપુરનાં પાણી ડાંગની સ્કૂલમાં ફરી વળતાં વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું

ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને કારણે નવસારી, તાપી, સુરત, વડોદરા, આણંદ, નર્મદા, ખેડા, વલસાડ, ડાંગ અને પાટણમાંથી ૧૬,૨૬૩ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવતાં નર્મદામાંથી ૧૦ અને છોટાઉદેપુર જિલ્લામાંથી ૩૧ સહિત કુલ ૪૧ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં માત્ર એક ઇંચથી વધુ ધોધમાર વરસાદ પડતાં શહેર પાણી-પાણી થઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો પારાવાર તકલીફમાં મુકાઈ ગયા હતા. ડાંગની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરનાં પાણી મહાલમાં આવેલી એકલવ્ય સ્કૂલના કૅમ્પસમાં ફરી વળ્યાં હતાં. પૂરનાં પાણી સ્કૂલમાં ભરાતાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રે તાકીદે ૩૧૧ વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરાવ્યું હતુ.

સુરત, અમદાવાદ, જામનગર, આણંદ, દાહોદ, નર્મદા અને વડોદરા જિલ્લાની સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

gujarat Gujarat Rains monsoon news ahmedabad surat vadodara anand jamnagar Weather Update gujarat news