સુરતમાં મેયરનો વિરોધ થતાં સ્થળ છોડી જતાં રહેવું પડ્યું

07 May, 2021 01:16 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

પુણાગામ વિસ્તારની વાઇરલ થયેલી વિડિયો ક્લિપમાં લોકો કહેતા દેખાયા કે આપણા કાર્યકરો મરી જાય છે રેમડેસિવિર ઇન્જેક્શન વગર, એની પહેલા તમે વ્યવસ્થા કરો

સુરતનાં મેયર હેમાલી બોઘાવાલા કાર્યક્રમ સ્થળ છોડીને જતાં દેખાય છે.

ગુજરાતમાં કોરોનાના કારણે દરદીઓ અને તેના સ્વજનો બેડ, ઇન્જેક્શન, ઑક્સિજન સહિતની ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શહેરનાં મેયર હેમાલી બોઘાવાલાનો વિરોધ થતાં તેમને સ્થળ છોડીને જતાં રહેવું પડ્યું હતું.

સુરતમાં પુણાગામ વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મેયર હેમાલી બોઘાવાલા ગયાં હતાં. કહેવાય છે કે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાના સંદર્ભમાં સુરતમાં બીજેપી દ્વારા દેખાવ પ્રદર્શનનો કાર્યક્રમ હતો તેમાં મેયર હાજરી આપવા આવ્યાં હતાં. પરંતુ તેઓની સામે નારેબાજી થતાં અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર થતાં તેમને તરત જ સ્થળ પરથી પરત જતા રહેવું પડ્યું હતું.

વાઇરલ થયેલી વિડિયો ક્લિપમાં લોકો એવું કહેતા દેખાય છે કે ‘આપણા કાર્યકરો મરી જાય છે રેમડેસિવિર ઇન્જેક્શન વગર એનું કરાવો, એને ઇન્જેક્શન અપાવો. ખાટલા નથી, લાકડાંય સ્મશાનમાં નથી. અમે બીજેપીના કાર્યકર છીએ, અમે કોઈ બીજી પાર્ટીના નથી.’ એમ કહીને કોરોનાની મહામારીમાં હૉસ્પિટલમાં જરૂરી વસ્તુઓના અભાવના કારણે દરદીઓને પડતી હાલાકી વિશે બળાપો ઠાલવતા નાગરિકો જોવા મળ્યા હતા.

shailesh nayak surat ahmedabad gujarat