25 April, 2025 10:37 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારજનોને ભૂપેન્દ્ર પટેલે સાંત્વન આપ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત તેમ જ સુરતના શૈલેશ કળથિયાના નશ્વર દેહ ગઈ કાલે પંચમહાભૂતમાં વિલીન થયા હતા. ભાવનગર અને સુરતમાં સ્મશાનયાત્રા નીકળી ત્યારે આ બન્ને શહેરમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
ભાવનગરના કાળિયાબીડમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું આતંકવાદી હુમલામાં મૃત્યુ થયું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ભાવનગરમાં શોકસંતપ્ત પરિવારજનોના ઘરે જઈ તેમને સાંત્વન આપી સંવેદના વ્યક્ત કરી હતી અને પિતા-પુત્રને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
બીજી તરફ સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી શૈલેશ કળથિયાની અંતિમયાત્રા નીકળી હતી જેમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલ, ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને મૃત્યુ પામનારના પરિવારજનોને સાંત્વન આપીને શૈલેશ કળથિયાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.