જનતાએ બીજેપી અને મોદી પર અતૂટ ભરોસો અને વિશ્વાસ બતાવ્યો છે

09 December, 2022 10:20 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

જીતનો જશન મનાવતાં ભૂપેન્દ્ર પટેલે આમ કહીને ગુજરાતનો જનાદેશ માથે ચડાવ્યો : કમલમ સહિત ગુજરાતનાં બીજેપી કાર્યાલયો પર વિજયોત્સવ મનાવ્યો કાર્યકરોએ , જીતની સાથે કેટલાક રેકૉર્ડ પણ બન્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો રેકૉર્ડબ્રેક વિજય થતાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ તેમ જ સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના આગેવાનોએ જીતની ખુશી મનાવી હતી.

ગુજરાતમાં રેકૉર્ડબ્રેક જીત મળતાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘જનતાએ ફરી એક વાર બીજેપી અને નરેન્દ્ર મોદી પર અતૂટ ભરોસો અને વિશ્વાસ બતાવ્યો છે. ગુજરાતીઓએ ફરી એક વાર વિકાસની રાજનીતિને સમર્થન કર્યું છે. ગુજરાતની જનતાના આ જનાદેશને વિનમ્રતા સાથે સ્વીકારીએ છીએ.’

ગુજરાતમાં બીજેપીનો રેકૉર્ડબ્રેક વિજય થતાં બીજેપીના ગુજરાતના મુખ્ય કાર્યાલય કમલમમાં વિજયોત્સવ ઉજવાયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ તેમ જ ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના પ્રદેશના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને એકબીજાનું મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈએ પહેલાંથી જ કહ્યું હતું કે ગુજરાતની જનતા ચૂંટણી લડી રહી છે. વાસ્તવમાં આ જ થયું. ગુજરાતે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજેપીને રાજ્યના શાસનની જવાબદારી સોંપી છે. ગુજરાતની જનતાએ એક વાર ફરી દેશદ્રોહી તત્ત્વોને નકારીને રાષ્ટ્રવાદીઓને સેવાનો મોકો આપ્યો છે. જુઠા પ્રલોભન આપનારાને જનતાએ નકાર્યા, કેમ કે ગુજરાતની જનતાને વિકાસ જોઈએ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જોઈએ. બીજેપી જનતાનો વિશ્વાસ બનાવી રાખશે. અમારો સંકલ્પ જનકલ્યાણનો છે. વિકાસની રાજનીતિમાં ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો એ એમની જીત છે. વિશ્વાસમાં ક્યાંય ચૂક નહીં થાય.’

ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું હતું કે બીજેપીની જીતની પાછળ કાર્યકરોની અથાક મહેનત છે. બધા કાર્યકરો અભિનંદનને પાત્ર છે.

કુછ મીઠા હો જાએઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ તેમ જ સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા સહિતના આગેવાનોએ એકબીજાનું મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યાં હતાં

ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘જનતાના આશીર્વાદથી બીજેપીનો ઐતિહાસિક વિજય થયો છે. આજે ગુજરાતની જનતાએ તેમના આશીર્વાદ બીજેપીને આપ્યા છે ત્યારે હું ગુજરાતની જનતાનો નત મસ્તક કરી આભાર વ્યક્ત કરું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે જેમણે બીજેપીને વિજયી બનાવવા કઠોર પરિશ્રમ કર્યો. ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને હૃદયથી ચાહે છે. આ વિજય માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિતના આગેવાનોનો આભાર માનું છું. વિજયી સંકલ્પ લઈ ચૂંટણી મેદાનમાં ઊતરેલા અમારા લાખો કાર્યકરોએ પરિશ્રમ કરીને વિજય પ્રાપ્ત કર્યો છે. સંકલ્પ, કઠોર પરિશ્રમ અને સંતોષજનક પરિણામ મળ્યું છે.’

સી. આર. પાટીલે આ તબક્કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કૉન્ગ્રેસનું નામ લીધા વગર કહ્યું હતું કે ‘કેટલાક લોકોએ તો અમારી સરકાર બનશે એવું લખીને આપ્યું, કોઈકે કહ્યું કે પરિવર્તન થશે અને અમારી સરકાર બનશે. આજે ગુજરાતની જનતાના આશીર્વાદથી ફરી પ્રચંડ બહુમતીથી બીજેપીની સરકાર બની છે.’

સી. આર. પાટીલે રેકૉર્ડની વાત કરતાં કહ્યું હતું કે ‘બીજેપીએ આ ચૂંટણીમાં ત્રણ રેકૉર્ડ બનાવ્યા છે. એક, સૌથી વધુ સીટો જીતી છે. બીજું, વધુ લીડ મેળવી છે અને ત્રીજું, વધુ વોટશૅર મેળવીને રેકૉર્ડ બનાવ્યો છે.’ 

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP bhupendra patel shailesh nayak