બીજા તબક્કાની ચૂંટણીમાં ૯૨ ઉમેદવારો સામે ગંભીર ગુનો

29 November, 2022 09:28 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાત ઇલેક્શન વૉચ અને અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રીફૉર્મ્સે ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત અને મિલકત વિશે વિશ્લેષણાત્મક અહેવાલ જાહેર કર્યો 

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ગુજરાત ઇલેક્શન વૉચ અને અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રીફૉર્મ્સે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીની ૯૩ વિધાનસભા બેઠકમાં ચૂંટણી લડનાર તમામ ૮૩૩ ઉમેદવારોનાં ઍફિડેવિટનું વિશ્લેષણ કરીને ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત અને મિલકત વિશે વિશ્લેષણાત્મક અહેવાલ જાહેર કર્યો 

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં પણ જાણે કે બાહુબલી અને કરોડપતિની લાયકાત ધરાવતા લોકોને ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષો ટિકિટ આપતા હોય એવું જાહેર થયેલા અહેવાલ પરથી જણાઈ આવ્યું છે. ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૬૩ ઉમેદવારો છે અને એમાંથી ૯૨ સામે ગંભીર ગુનો નોંધાયો છે એવા ઉમેદવારો તેમ જ ૨૪૫ કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

ગુજરાત ઇલેક્શન વૉચ અને અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રીફૉર્મ્સે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીની ૯૩ વિધાનસભા બેઠકમાં ચૂંટણી લડનાર તમામ ૮૩૩ ઉમેદવારોની ઍફિડેવિટનું વિશ્લેષણ કરીને ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત અને મિલકત વિશે વિશ્લેષણાત્મક અહેવાલ જાહેર કર્યો છે. જે મુજબ બીજા તબક્કાની ચૂંટણી લડતા ૮૩૩ ઉમેદવારોમાંથી ૧૬૩ ઉમેદવારો સામે ગુના નોંધાયા છે અને આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોમાંથી ૯૨ સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો વધ્યા છે. કૉન્ગ્રેસ પક્ષના ૨૯ ઉમેદવારો, આમ આદમી પાર્ટીના ૨૯ ઉમેદવારો અને બીજેપીના ૧૮ ઉમેદવારો અને બીટીપીના ૪ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આમાંથી આમ આદમી પાર્ટી ૧૭, બીજેપીના ૧૪, કૉન્ગ્રેસના ૧૦ અને બીટીપીના ૧ ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયા છે. ૯ ઉમેદવારો એવા છે કે તેમની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુના નોંધાયા છે અને એ પૈકી એક ઉમેદવાર સામે બળાત્કારનો ગુનો દાખલ થયો છે. ૧૯ વિધાનસભા મતક્ષેત્ર રેડ અલર્ટ મતક્ષેત્રો છે, એટલે કે આ મતક્ષેત્રોમાં ત્રણથી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

બીજા તબક્કાની ચૂંટણી લડનારા ઉમેદવારો પૈકી ૯૪ ઉમેદવારોની સંપત્તિ પાંચ કરોડથી વધુ, ૭૪ ઉમેદવારોની સંપત્તિ બેથી પાંચ કરોડ, ૧૫૭ ઉમેદવારોની સંપત્તિ ૫૦ લાખથી બે કરોડ, ૨૨૭ ઉમેદવારોની સંપત્તિ ૧૦ લાખથી ૫૦ લાખ સુધીની અને ૨૮૧ ઉમેદવારોની સંપત્તિ ૧૦ લાખથી ઓછી છે.

૮૩૩ ઉમેદવારોમાંથી ૨૪૫ ઉમેદવારો કરોડપતિ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારો વધ્યા છે. આ કરોડપતિ ઉમેદવારો પૈકી બીજેપીના ૭૫ ઉમેદવાર, કૉન્ગ્રેસના ૭૭ ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના ૩૫ ઉમેદવારો કરોડપતિ છે. સૌથી વધુ મિલકત ધરાવતા ઉમેદવારોમાં માણસા બેઠકના બીજેપીના ઉમેદવાર જયંતી પટેલ પાસે ૬૬૧ કરોડથી વધુ મિલકત છે. સિદ્ધપુર બેઠકના બીજેપીના ઉમેદવાર બળવંતસિંહ રાજપુત પાસે ૩૭૨ કરોડથી વધુ અને ડભોઈ બેઠકના આમ આદમી પાર્ટીના અજીતસિંહ ઠાકોર પાસે ૩૪૩ કરોડથી વધુની મિલકત છે.

આશ્ચર્યની વાત એ છે કે પાંચ ઉમેદવાર એવા છે કે તેમની મિલકત ઝીરો હોવાનું દર્શાવ્યું છે.

૫૦૫ ઉમેદવારોએ ધોરણ ૫થી ૧૨ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ૨૬૪ ઉમેદવાર ગ્રેજ્યુએટ છે. ૨૭ ઉમેદવાર ડિપ્લોમાહોલ્ડર છે. ૩૨ ઉમેદવારોને લખતા-વાચતા આવડે છે, જ્યારે ૫ ઉમેદવારો નિરક્ષર છે.

૨૮૪ ઉમેદવારો ૨૫થી ૪૦ વર્ષ વચ્ચેના છે. ૪૩૦ ઉમેદવારો ૪૧થી ૬૦ વર્ષ વચ્ચેના છે. ૧૧૮ ઉમેદવારો ૬૧થી ૮૦ વર્ષની વચ્ચેના છે. ૧ ઉમેદવાર ૮૦ વર્ષથી વધુ વયનો છે. બાહુબલીઓ અને કરોડપતિઓની સંખ્યા વધુ છે એ સૂચવે છે કે ચૂંટણીમાં આજે પણ મની અને મસલ પાવરની બોલબાલા છે.

245
૮૩૩માંથી આટલા ઉમેદવારો કરોડપતિ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારો વધ્યા છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 swachh bharat abhiyan Gujarat BJP congress Gujarat Congress shailesh nayak