પ્રથમ તબક્કામાં ઓછા મતદાનની અસર પીએમના ભાષણમાં દેખાઈ

03 December, 2022 08:18 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સરદાર વલ્લભભાઈ પટેલનું ઉદાહરણ ટાંકીને એક વોટનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે એક વોટની તાકાત સમજજો, સવારે વહેલા ઊઠીને વોટ આપવા જવું જ પડે, અમદાવાદમાં સતત બીજા દિવસે ભવ્ય રોડ-શો કર્યો

અમદાવાદમાં ગઈ કાલે રોડ-શોમાં સપોર્ટર્સનું અભિવાદન ઝીલી રહેલા નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આણંદ જિલ્લાના સોજિત્રામાં ચૂંટણીસભાને સંબોધતાં કાર્યકરો અને મતદાતાઓને અપીલ કરતાં કહ્યું હતું કે ‘એક વોટને કારણે સરદારસાહેબ પ્રમુખ બનતાં રહી ગયા હતા અને એટલા માટે તમારા એક-એક વોટની તાકાત સમજજો ભાઈઓ. સવારે વહેલા ઊઠીને વોટ આપવા જવું જ પડે.’ નોંધપાત્ર છે કે વડા પ્રધાને ગઈ કાલે સતત બીજા દિવસે અમદાવાદમાં રૉડ શો કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં કાંકરેજ, પાટણ અને મધ્ય ગુજરાતના સોજિત્રામાં ચૂંટણીસભાને સંબોધી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ઓછા મતદાનની અસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં દેખાઈ રહી હોવાનું ગઈ કાલે પાટણ અને સોજિત્રામાં કરેલા તેમના સંબોધનમાં જણાઈ આવ્યું હતું. સોજિત્રાની ચૂંટણીસભામાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલનું ઉદાહરણ ટાંકીને એક વોટનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે ‘તમારા વોટની તાકાત સમજજો. એક-એક વોટની તાકાત હોય છે. કોઈ પણ વ્યક્તિ એક વોટની તાકાતને ઓછી ન આંકે. સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા તેમની જવાનીમાં, પણ એક વખત ચૂંટણી લડ્યા તો એક વોટે હારી ગયા હતા. એ પછી બધાને પસ્તાવો થયો કે હું વોટ આપવા ગયો હોત તો સરદારસાહેબ પ્રમુખ થઈ જાત.’

અમદાવાદમાં ગઈ કાલે ભદ્રકાલી મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પાટણમાં ચૂંટણીસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ ટાયર પંક્ચર થયેલી ગાડીનું ઉદાહરણ આપીને વધુમાં વધુ વોટિંગ થાય એ માટે અપીલ કરતાં કહ્યું હતું કે ‘મોંઘામાં મોંઘી સરસ ગાડી હોય. સરસમાં સરસ ડ્રાઇવર હોય, ભૂપેન્દ્ર હોય કે નરેન્દ્ર હોય, પણ એક ટાયર પંક્ચર થયેલું હોય તો ગાડી ચાલે?

એ ગાડી આગળ લઈ જાય? એક પંક્ચર થયું હોય તો ગાડી અટકી જાય કે ન અટકી જાય? એક કમળ ન ખીલે તો રુકાવટ આવે કે નહીં? આપણે બધાં કમળ ખીલવવાનાં છે. બધેબધાં કમળ પાટણ જિલ્લાનાં આ વખતે ગાંધીનગર પહોંચવાં જોઈએ. ક્યાંય જરાય કાચું ન કપાવું જોઈએ. આ ચૂંટણીમાં મારી તમારી પાસે અપેક્ષા છે કે વધુમાં વધુ મતદાન કરાવજો. દરેક પોલિંગ બૂથ પર જજો, દરેક પોલિંગ બૂથના રેકૉર્ડ તોડજો.’

આણંદ જિલ્લાના સોજિત્રામાં સરદાર પટેલને યાદ કરીને નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસને સરદારસાહેબ સામેય વાંધો અને દેશની એકતા સામેય વાંધો. કારણ તેમનું આખું રાજકારણ ‘ભાગલા પાડો અને રાજ કરો’ જ હતું. સરદારસાહેબને ક્યારેય તેમણે પોતાના ન ગણ્યા. આ મોદીએ સરદારસાહેબનું પૂતળું બનાવ્યું એટલે સરદારસાહેબ સાથે તેમને આભડછેટ. આવી કૉન્ગ્રેસને સજા કરવી પડે કે ન કરવી પડે?’

કાંકરેજમાં ચૂંટણીસભામાં મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ જ્યારે ઈવીએમને કોસવાનું ચાલુ કરે એટલે હમજી જવાનું કે કૉન્ગ્રેસે ઉચાળા ભરી લીધા છે. કૉન્ગ્રેસની વિશેષતા એ છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો ભાંડવાની અને ચૂંટણીનું મતદાન આવે ત્યારે ઈવીએમને ગાળો દેવાની. આ સીધેસીધું સબૂત છે કે આ ચૂંટણીમાં કૉન્ગ્રેસે હાર સ્વીકારી લીધી છે.’

gujarat gujarat news gujarat election 2022 gujarat elections bharatiya janata party Gujarat BJP Gujarat Congress congress aam aadmi party shailesh nayak