સખેદ કહેવું પડે છે કે અત્યારે એક યા બીજી રીતે ડેમોક્રસીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે

21 November, 2022 10:05 AM IST  |  Ahmedabad | Rashmin Shah

જો આપણે એ અટકાવવું હોય તો એને માટેની નીતિ સ્પષ્ટ કરવી પડશે અને નીતિ મુજબ આપણે વ્યવહાર પણ આગળ ધપાવવો પડશે

ફાઇલ તસવીર

આજે જ્યારે ગુજરાતમાં ઇલેક્શનનો સમય છે ત્યારે કેન્દ્ર સરકારની હાલત પણ જાણવી જરૂરી છે, કારણ કે આપણને આ ઇલેક્શનમાં બીજેપીએ ડબલ એન્જિન સરકારનું સ્લોગન આપ્યું છે

તમે બત્રીસ વર્ષ સુધી કોઈ ઘરમાં રહો તો સ્વભાવિક રીતે એ ઘરનાં અનેક સંસ્મરણો તમારી સાથે સંકળાયેલાં હોય. ભલે તમે નવું ઘર બનાવ્યું હોય અને એ ઘર મોટું હોય, ખૂબ બધી એમાં ફૅસિલિટી હોય તો પણ એ નાનકડું ઘર બદલવાનું થાય તો તમને ન ગમે. નાના ઘરમાં અનેક તકલીફો હોય તો એ ઘર છોડતી વખતે તમને એ બધી તકલીફો પણ યાદ આવે અને અત્યારે એ જ પરિસ્થિતિ છે.

બીજેપી એક બહુ શક્તિશાળી વમળના સ્વરૂપમાં છે. એ વમળનું કેન્દ્રબિંદુ ખૂબ જ શક્તિશાળી હોય, એ તમને છેક તળિયા સુધી લઈ જાય અને પછી એની તાકાત ઓસરી જાય એટલે એ તમને ત્યાં જ છોડી દે. તમે ઉપર આવી ન શકો કે પછી એમાંથી નીકળવું મુશ્કેલ બની જાય, એ જે એક જ ફોર્સથી બધું ચાલતું હોય છે એવી જ સ્થિતિ અત્યારની બીજેપીની છે અને એ ખેદજનક છે.

મને ઘણા પૂછે છે કે શું આજના સમયમાં લોકશાહી સાચી દિશામાં છે ખરી?

એ સમયે હું ચૂપ રહેતો હોઉં છું, કારણ કે હું હા કહી શકું એવી અવસ્થા અત્યારની લોકશાહી જોતાં મને દેખાતી નથી. સખેદ મને કહેવું પડે છે કે એક યા બીજી રીતે ડેમોક્રસીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. ક્યાંક જ્ઞાતિવાદના સ્વરૂપમાં થાય છે તો ક્યાંક નેતાવાદને કારણે થઈ રહ્યું છે. ક્યાંક વિચારવાદને કારણે વસ્ત્રાહરણ ચાલે છે તો ક્યાંક વંશવાદને લીધે તો બીજી જગ્યાએ સાવ જુદાં જ કારણોસર એ થઈ રહ્યું છે. ક્યાંક કેજરીવાલને કારણે થઈ રહ્યું છે તો ક્યાંક મોદીને કારણે થાય છે. નેતા એક, પણ તેની આજુબાજુવાળા એ મુજબ ચાલે એટલે એવું ચાલતું રહે. પહેલાં લોકશાહી માટે કહેવાતું હતું કે ગાઇડેડ ડેમોક્રસી, પણ હવે એનાર્કિક થઈ રહ્યું છે. હું દૃઢપણે માનું છું કે પૉલિટિકલ નીતિઓ બદલાવનો સમય આવી ગયો છે. આપણે કહીશું એટલે નહીં, પણ પરિવર્તન એ સમયનો તકાજો છે.

એક સમયે હિન્દુસ્તાન ઉપર જાહેર જીવનના નેતાઓ છવાઈ ગયા હતા, પણ આજે એવું નથી. આજના સમયે એ પેગડામાં પગ નાખે એવો એક પણ નેતા દેખાતો નથી. વિવિધ પ્રકારની કટોકટી તરફ આપણે ધસમસતા આગળ વધી રહ્યા છીએ.

આજે જ્યારે ગુજરાત ઇલેક્શનનો સમય છે ત્યારે કેન્દ્ર સરકારની હાલત પણ જાણવી જરૂરી છે, કારણ કે આપણને આ ઇલેક્શનમાં બીજેપીએ ડબલ એન્જિન સરકારનું સ્લોગન આપ્યું છે. આ સ્લોગન પર મુસ્તાક થવાની જરૂર નથી. જે કેન્દ્ર સરકાર પર ગુજરાત સરકાર મુસ્તાક છે એ કેન્દ્ર સરકારની વાસ્તવિકતા એ છે કે એની પાસે બે વર્ષથી ઓછો સમય ચાલે એટલું વિદેશી હૂંડિયામણ છે. પ૩૨ અબજ ડૉલર કહે છે, પણ એમાંથી ૨૩પ અબજ ડૉલર તો સોનું અને એસપીઆર છે, જે તમે વટાવી નથી શકવાના. જેનો અર્થ એવો થયો કે તમારી પાસે ત્રણસો અબજ ડૉલર છે. તમારો રૂપિયો ઘસાઈ અને આયાત મોંઘી થતી જાય તો એ હિસાબે દર વર્ષે તમે ૨૦૦ અબજ ફૉરેન એક્સચેન્જમાં ખાધ કરશો, જેનો સીધો અર્થ એવો છે કે બે વર્ષથી ઓછો સમય ચાલે એટલું વિદેશી હૂંડિયામણની પુરાંત આપણી પાસે છે, જેને લીધે આપણે ત્યાં બહુ મોટો કેઓસ ઊભો થશે.

તમને ખાવાનું તેલ નહીં મળે, કારણ કે પચાસ ટકા કરતાં વધારેની સંખ્યામાં તો આપણે એ આયાત કરીએ છીએ. તમે એંસી ટકા પેટ્રોલ-ડીઝલ આયાત કરીએ છીએ એટલે એ બાબતમાં પણ કટોકટી ઊભી થશે. આપણે ૪૦૦૦ અબજ ડૉલરના ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડિયેટ્સ આયાત કરીએ છીએ, એ આયાત નહીં થાય તો છ જ મહિનામાં આપણા દેશમાં વિટામિન્સ અને કૅલ્શિયમનાં સપ્લિમેન્ટ્સ મળતાં બંધ થઈ જશે. દુનિયામાં આપણે સૌથી મોટા આયાતકાર છીએ શસ્ત્રોના. હવે વિચારો કે તમને શસ્ત્રો મળતાં નહીં હોય અને તમારી તિજોરી ખાલી થઈ ગઈ હશે તો તમે તમારા દેશની સુરક્ષા પણ કેવી રીતે કરશો? આ જે કટોકટી ઊભી કરે એ બાબતની વાત કરી એવું જ વાસ્તવમાં બની ગયું તો તમારી અર્થવ્યવસ્થા ક્યાં જઈને ઊભી રહે?

આવા સમયે તમારા દેશમાં નાણાપ્રધાન હોય એ એવું કહેતાં હોય કે રૂપિયો નબળો નથી થયો, પણ ડૉલર મજબૂત થયો છે અને દુનિયાના દરેક દેશની કરન્સી એની સરખામણીમાં ઘસાઈ છે. આપણે દરેક દેશની કરન્સીની ચિંતા કરવાની શું જરૂર? આપણે આપણા દેશ-હૂંડિયામણની જે પુરાંત છે એની જ ચિંતા કરીએ. એટલે આ તેમની વાહિયાત વાત છે. જ્યારે લસણ-ડુંગળીના ભાવ વધ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મેં પ્યાજ ઔર લહસુન નહીં ખાતી. એટલે તેમનું ઘણી વખત નાણાપ્રધાન તરીકેનું સ્ટેમટેન્ટ જ મગજમાં નથી ઊતરતું કે આ શું બોલે છે? જે સતર્ક કે સમજ હોવી જોઈએ, તમને તાવ આવ્યો છે કે માથું દુખે છે એવું સ્વીકારો તો ડૉક્ટર પાસે જશો કે દવા લેશો? અને સ્વીકારો જ નહીં તો રોગ આગળ વધી જશે, પણ અત્યારે સ્વીકાર નથી.

અને વી આર સેલિંગ ઑફ લૅન્ડ મેગા ડ્રીમ્સ. ખેડૂતનો આભાર માનવો જોઈએ કે એનો જ જીડીપી નથી ઘટ્યો અને કૃષિ એટલે માત્ર અનાજ ઉત્પાદનનો ગણાય છે એ નહીં. ગ્રામ્ય બજાર પચાસ ટકા રોજગારી આપે છે, જે કૃષિઆધારિત છે. જે પચાસ ટકા વધારે વસ્તુઓ ખરીદે છે. પંચાવન ટકા મોટર સાઇકલ, બાવન ટકા કપડું, બાવન ટકા કો​લ્ડ્રિંક્સ, બિસ્કિટ, કુકીઝ. આ ગ્રામ્ય બજાર તમારા શહેરી બજારનાં કારખાનાંને જીવતાં રાખે છે. હવે જો એ ન હોય તો તમારી પાસે વિદેશ વેપારમાં તમારો ફાળો બે ટકાથી પણ ઓછો છે, તમે ટકી નહીં શકો. માત્ર અન્નસુરક્ષાનો પ્રશ્ન નથી. ગ્રામ્ય અર્થવ્યવસ્થા પણ કઈ દિશામાં જઈ રહી છે એનો પણ પ્રશ્ન છે.

આ જ નહીં, આ સિવાયના પણ અનેક પ્રશ્નો એવા છે જે પ્રશ્નોની ચર્ચા તમને દેશના ભાવિ માટે ભયભીત કરે. સમય મળશે તો એના પર પણ ચર્ચા કરીશું અને ચર્ચા કરીશું તો જ સમજાશે કે આપણે દેશને કઈ દિશામાં હંકારી જવો છે.

(વિચારો - જયનારાયણ વ્યાસ)

gujarat gujarat news gujarat elections gujarat election 2022 narendra modi bhupendra patel Rashmin Shah