બીજેપીને બખ્ખાં, કૉન્ગ્રેસને કમાણી અને આપને માપમાં

28 November, 2022 09:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

રાજકીય પક્ષોને ગુજરાતમાંથી ૨૦૧૬-’૧૭થી ૨૦૨૦-’૨૧ સુધી મળેલા ફન્ડનો અહેવાલ એડીઆરે જાહેર કર્યો, ૧૭૪ કરોડ રૂપિયાનું સીધું કૉર્પોરેટ દાન મળ્યું એ પૈકી બીજેપીને ૧૬૩.૫૪૪ કરોડ, કૉન્ગ્રેસને ૧૦.૪૬૪ કરોડ અને આપને ૦.૦૩૨ કરોડ રૂપિયા દાન મળ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે ગઈ કાલે અમદાવાદમાં ‘રન ફૉર વોટ’ના સૂત્ર સાથે આયોજિત મૅરથૉન દોડમાં ભાગ લઈ રહેલા લોકો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટે અને ખર્ચ કરવા માટે રૂપિયાની જરૂર પડે છે ત્યારે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન રાજકીય પક્ષોને કરોડો રૂપિયા દાનમાં મળ્યા છે જેને કારણે બીજેપીને બખ્ખાં થયાં છે, સત્તામાં નહીં હોવા છતાં કૉન્ગ્રેસને કમાણી થઈ છે અને ગુજરાતમાં પહેલી વાર ૧૮૨ બેઠક પર ચૂંટણી લડવા પાપા પગલી કરી રહેલા આમ આદમી પાર્ટીને લૉલીપૉપ–પતાસું મળ્યું છે. ગુજરાતના રાજકીય પક્ષોને ગુજરાતમાંથી ૨૦૧૬-’૧૭થી ૨૦૨૦-’૨૧ સુધી મળેલા ફન્ડનો અહેવાલ ગુજરાત ઇલેક્શન વૉચ અને અસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફૉર્મ્સે જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે પક્ષો દ્વારા તેમને મળેલા દાન અને થયેલી આવકની વિગતો ઉપરથી અહેવાલ બનેલો છે. અત્યારે ગુજરાતની ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે આ વિશ્લેષણ ગુજરાતમાંથી મુખ્ય પક્ષોને કેટલું દાન મળ્યું છે અને એ કોના દ્વારા મળ્યું છે એ સમજવા માટે કર્યું છે. જોકે ઇલેક્ટોરલ બૉન્ડ યોજના આવતાં બૉન્ડ થકી મળેલું દાન કોણે આપ્યું એનો ખ્યાલ આવતો નથી. રાષ્ટ્રીય પક્ષો અને ક્ષેત્રીય પક્ષો દ્વારા ૨૦૧૬-’૧૭થી ૨૦૨૦-’૨૧ સુધીની કુલ આવક ૧૬,૦૭૧.૬૦ કરોડ રૂપિયા જાહેર કરેલી છે. એમાંથી ૧૨,૮૪૨.૨૮ કરોડ રૂપિયાની આવક ૮ રાષ્ટ્રીય પક્ષોની છે, જ્યારે ક્ષેત્રીય પક્ષોને ૩૨૨૯.૩૨ કરોડ રૂપિયા આવક પાંચ વર્ષમાં થઈ છે.

ગુજરાતમાંથી મળેલા દાનની વાત કરતાં આ અહેવાલમાં જણાવ્યું છે કે ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા ૩૪૩ કરોડ, ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ૭૪.૨૭ કરોડ અને સીધું કૉર્પોરેટ દાન ૧૭૪ કરોડ રૂપિયા મળ્યું છે. ગુજરાતમાંથી સીધી રીતે મળેલા આ ૧૭૪ કરોડ રૂપિયાનું દાન ૪ પક્ષોને મળ્યું છે, જેમાં બીજેપીને ૧૬૩.૫૪૪ કરોડ, કૉન્ગ્રેસને ૧૦.૪૬૪ કરોડ, આપને ૦.૦૩૨ કરોડ અને એસ.કે.એમ.ને ૦.૦૨ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

સૌથી વધુ ડોનેશન આપનારા કૉર્પોરેટ ડોનેશનમાં ટૉરન્ટ પાવરે ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ૩૦.૫૦ કરોડ, નિરમાએ ૨૪ કરોડ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા અને ૨૪ કરોડ સીધી રીતે, ટૉરન્ટ ફાર્માસ્યુટિકલે ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ૨૦.૫૦ કરોડ, ટોરન્ટ ફાર્માએ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ૧૦ કરોડ, કૅડિલા હેલ્થ કૅરે ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ૧૦ કરોડ અને સીધી રીતે ૧૦ કરોડ તેમ જ આદિ એન્ટરપ્રાઇસે ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ૬ કરોડ અને સીધી રીતે ૬ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે.

gujarat gujarat news gujarat election 2022 gujarat elections congress Gujarat Congress bharatiya janata party Gujarat BJP shailesh nayak