ગુજરાતમાં માણો ડાયનોસૉર વર્લ્ડ

26 June, 2022 09:16 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મહિસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા રૈયોલીમાં દેશના પ્રથમ ફોસિલ પાર્કમાં ડાયનોસૉર મ્યુઝિયમ ફેઝ–2નું આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ

ગુજરાતમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા રૈયોલીમાં બનાવેલા ડાયનોસૉર મ્યુઝિયમ ફેઝ–2.

ગુજરાતમાં બાલાસિનોર પાસે આવેલા ફોસિલ પાર્કમાં સ્કૂલનાં બાળકોથી માંડીને ડાયનોસૉરની સૃષ્ટિના અભ્યાસમાં રસ ધરાવતા સંશોધકો, તજજ્ઞો, પુરાતત્ત્વવિદો સહિતના લોકોને જીવાશ્મિની રસપ્રદ અને રોમાંચક વાતો જાણવા અને માણવા મળશે, જ્યાં ડિજિટલ ફૉરેસ્ટ, 5D થિયેટર, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયલિટી, એક્સપ‌રિમેન્ટ લૅબ, મૂડલાઇટ, 3D પ્રોજેક્શન મૅપિંગ સહિતની ડાયનોસૉરની અનેકવિધ માહિતી જાણવા અને માણવા મળશે.

ગુજરાતમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા રૈયોલીમાં દેશના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્કમાં ડાયનોસૉર મ્યુઝિયમ ફેઝ–2નું આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. ૧૬.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડાયનોસૉર મ્યુઝિયમ ફેઝ–2માં અદ્યતન ટેક્નૉલૉજીના આધારે મહાકાય ડાયનોસૉરના ઉદ્ભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળશે. રૈયોલી ગામના બાવન હેક્ટર વિસ્તારમાં મહાકાય ડાયનોસૉરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી. એના જીવાશ્મિ અવશેષો, થીજીને પથ્થર બની ગયેલાં ઇંડાં અને વિવિધ સંશોધનોને વણી લઈને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનોસૉર જીવાશ્મિ ઉદ્યાન બનાવીને ગુજરાત સરકારે રૈયોલીને જીવાશ્મિ સંશોધન નકશામાં અંકિત કર્યું છે. જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના મંતવ્ય પ્રમાણે ડાયનોસૉર જીવાશ્મિનો અદભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. 

gujarat gujarat news bhupendra patel shailesh nayak