ભાવનગરની કૉલેજનાં પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થિનીઓને બીજેપીમાં જોડાવા કહ્યું

28 June, 2022 09:07 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વિવાદ વકરતાં ગાંધી મહિલા કૉલેજનાં આચાર્યાએ આપવું પડ્યું રાજીનામું, કૉન્ગ્રેસે કુલપતિની ઑફિસમાં કર્યા દેખાવો

કૉન્ગ્રેસના કાર્યકરોએ કુલપતિની ઑફિસમાં દેખાવો અને રજૂઆત કરી

સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગરની ગાંધી મહિલા કૉલેજનાં આચાર્યાએ કૉલેજમાં રાજકીય રંગ લગાવવાનો પ્રયાસ કરતાં કૉલેજની વિદ્યાર્થિનીઓને બીજેપીની સદસ્યતા અભિયાનમાં જોડાવા મોબાઇલ ફોન અને ફોટો લઈ આવવા નોટિસ આપતાં વિવાદ થયો છે. વિવાદ એટલો વકર્યો હતો કે વિવાદના પગલે આચાર્યાએ રાજીનામું આપવું પડ્યું છે અને કૉલેજ સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ માટે કમિટી બેસાડીને આચાર્યાને હાલ રજા પર ઉતારી દીધાં છે.

ભાવનગરમાં આવેલી શ્રીમતી ન. ચ. ગાંધી ભા. વા. ગાંધી મહિલા આર્ટ્સ અને કૉમર્સ કૉલેજનાં આચાર્યા આર. એ. ગોહિલે ૨૦૨૨ની ૨૪ જૂને એક નોટિસ જાહેર કરી હતી, જેમાં કૉલેજની તમામ વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું કે બીજેપી પક્ષમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિની પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ આવે. બીજેપી પક્ષમાં સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે દરેક વિદ્યાર્થિનીઓએ મોબાઇલ ફોન લઈને કૉલેજ આવવું જરૂરી છે, જેની સૌ વિદ્યાર્થિની બહેનોએ નોંધ લેવી.

કૉલેજનાં આચાર્યાએ કૉલેજમાં અભ્યાસ કરાવવા ઉપરાંત વિદ્યાર્થિનીઓને કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માટે નોટિસ જાહેર કરતાં સભ્ય સમાજમાં આશ્ચર્ય ફેલાયું હતું. બીજી તરફ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એની સામે વિરોધ ઉઠાવ્યો છે. ભાવનગર કૉન્ગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ કુલપતિ ઑફિસમાં જઈને દેખાવો કર્યા હતા અને આવેદનપત્ર આપીને આચાર્યાનું રાજીનામું માગ્યું હતું.

ભાવનગરમાં ગાંધી કૉલેજનાં આચાર્યાએ જાહેર કરેલી નોટિસ

આમ આદમી પાર્ટી-ગુજરાતના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને નોટિસ આપી બીજેપીના પેજ પ્રમુખ બનવા માટે મજબૂર કરી એ આ ગુજરાતના ઇતિહાસની અત્યંત શરમજનક ઘટના છે.

આ ઘટનાના કારણે ઊભા થયેલા વિવાદ બાદ કૉલેજ સત્તાવાળાઓ દ્વારા આચાર્યાનો ખુલાસો માગ્યો હતો અને આચાર્યાએ અંગત કારણસર રાજીનામું પણ આપી દીધું છે. આ ઘટના સામે ટ્રસ્ટી મંડળે કમિટી બેસાડીને જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી બહેનને હમણાં રજા ઉપર ઉતારી કમિટીનો નિર્ણય આવે, જે કંઈ હોય એ કાયદાકીય નિયમ અનુસાર જો સત્યતા હોય તો કાર્યવાહી કરવાની ઘટે એવું ટ્રસ્ટી મંડળ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે.

gujarat gujarat news bhavnagar bharatiya janata party shailesh nayak