શંકરસિંહ વાઘેલા કૉન્ગ્રેસમાં ફરી જોડાવાના અણસાર

05 October, 2022 08:59 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાત કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે બાપુ માટે માર્ગ મોકળો જ છે, હાઈકમાન્ડ નિર્ણય કરશે

પ્રેસ-કૉન્ફરન્સમાં ગઈ કાલે અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક નેતાઓ એક બીજા પક્ષમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ફરી એક વાર કૉન્ગ્રેસમાં જોડાય એવા અણસાર મળ્યા છે. ગુજરાત કૉન્ગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઈ કાલે ત્યાં સુધી કહી દીધું હતું કે બાપુ માટે માર્ગ મોકળો જ છે.

અમદાવાદમાં ગઈ કાલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ યોજાયેલી પ્રેસ- કૉન્ફરન્સમાં અર્જુન મોઢવાડિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે શંકરસિંહ બાપુ માટે કૉન્ગ્રેસનો માર્ગ મોકળો થયો છે ત્યારે અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘બાપુ માટે માર્ગ મોકળો જ છે અને એનો નિર્ણય જે છે એ બાપુ અને હાઈકમાન્ડ બન્નેએ સાથે મળીને લેશે. તમારી ધીરજનો અંત આવશે.’

દરમ્યાન શંકરસિંહ વાઘેલાને આ મુદ્દે પુછવામાં આવતાં તેમણે મોઘમમાં એટલું જ કહ્યું હતું કે ‘અર્જુનભાઈએ જે વાત કરી એ બરાબર છે.’ 

ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરી કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા દ્વારા  મહેસાણામાં ૬ ઑક્ટોબરે મા અર્બુદા ભવન કૅમ્પસ ખાતે સાક્ષી હુંકાર મહાસભાનું આયોજન કરાયું છે.

gujarat gujarat news Gujarat Congress gujarat elections shailesh nayak