હેલ્થ વર્કર ​નીતા ડાભી માત્ર ૭ મહિનાની દીકરી સલામત રહે એને માટે તેનાથી દૂર જ રહે છે

09 May, 2021 07:43 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ક્ષેત્રમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન તરીકે ફરજ બજાવતાં નીતા ડાભીને પોતાની દીકરીને રમાડવાનું મન તો થાય છે, પણ તેને દૂરથી જોઈને સંતોષ માની લે છે

નીતા ડાભી અને તેની 7 મહિનાની દીકરી આરુષી.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે અને બાળકો પણ કોરોનાના સંક્રમણથી બાકાત રહ્યાં નથી ત્યારે મેડિકલ ક્ષેત્રમાં ડ્યુટી બજાવતી મમ્મી તેની ૭ મહિનાની દીકરીના સ્વાસ્થ્ય માટે પોતાની વહાલસોયીથી દૂર રહે છે. ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન તરીકે કામ કરતાં નીતા ડાભીના દીકરી પ્રત્યેના સ્નેહની અનોખી વાત એ છે કે ઘરની બીજી રૂમમાં આઇસોલેટ થઈ દીકરીને તેનાથી દૂર રાખી રહ્યાં છે.

મૅટરનિટી લીવ પૂરી થયાના બીજા દિવસથી ૧૦૮ ઇમર્જન્સી સર્વિસની ઍમ્બ્યુલન્સમાં મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ડ્યુટી જૉઇન કરી લેનાર અને મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ક્ષેત્રમાં ડ્યુટી બજાવતાં નીતા ડાભીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘છેલ્લા એક મહિનાથી મેં ડ્યુટી જૉઇન કરી છે. ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન તરીકે ઍમ્બ્યુલન્સમાં કામ કરું છું. આ દિવસો દરમ્યાન મોસ્ટ ઑફ કોરોનાના દરદીઓ આવતા હોવાથી મારી ૭ મહિનાની દીકરી આરુષી જાણ્યે-અજાણ્યે સંક્રમિત ન થાય એ માટે અને તેના સારા સ્વાસ્થ્ય માટે હું તેનાથી દૂર રહી છું. હાલમાં હું છીપિયાલ ગામમાં મારી મમ્મીના ઘરે રહું છું. સવારે ૮ વાગ્યે ડ્યુટી પર નીકળું છું અને રાતે ૮ વાગ્યે ઘરે પાછી આવું છું. ઘરે હું અલગ રૂમમાં આઇસોલેટ થઈને રહું છું, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય.’

એક છત નીચે હોવા છતાં પોતાની નાનકડી દીકરીથી દૂર રહેવું પડતું હોવાથી એક માતા તરીકે આ દિવસો વિતાવવા કઠિન હોવા બાબતે નીતા ડાભીએ કહ્યું કે ‘મને દુઃખ તો થાય છે કે એક જ ઘરમાં દીકરીથી દૂર રહેવું પડે છે, પણ તેના સ્વાસ્થ્યનું પણ મારે ધ્યાન રાખવું જરૂરી છે. મને ડર લાગે છે કે મારી દીકરી સંક્રમિત ન થઈ જાય એટલે તેને હમણાં ફીડિંગથી પણ દૂર રાખું છું. હું દીકરીને રમાડી નથી શકતી એનો અફસોસ જરૂર છે, પણ તેને દૂરથી જોઈને ખુશ થઈ જાઉં છું. ઘણી વાર વિડિયો-કૉલ‌િંગ કરીને તેને જોઈ લઉં છું. જોકે મારી મમ્મી, મારી બહેન તેમ જ ભાઈ-ભાભી મારી દીકરીનું ધ્યાન રાખી રહ્યાં છે. તેની બધી સંભાળ રાખે છે. મને મારી ફૅમિલીના મેમ્બર્સ કહે છે કે તું ડ્યુટી પર જા, દીકરીને અમે સંભાળી લઈશું. એક મા તરીકે મને દુઃખ થાય છે કે હું મારી દીકરીથી દૂર રહું છું, પણ મારે આ કોરોનાકાળમાં દરદીઓની સારવાર કરવી પણ એટલી જ જરૂરી છે.’

gujarat ahmedabad coronavirus covid19 shailesh nayak