મંગળવારે નલિયા અને પોરબંદર વચ્ચે ટૉકટે વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના

16 May, 2021 11:35 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં અલર્ટ, એનડીઆરએફની ૨૪ ટીમ મદદે આવી : પ્રધાનોને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં સ્ટૅન્ડ-ટુ કરયા : કચ્છ, ગીર સોમનાથ, વલસાડ, દ્વારકા સહિતનાં દરિયાકાંઠાનાં ગામોને અલર્ટ કરાયાં

વાવાઝોડાના સંભવિત માર્ગને દર્શાવતો મૅપ.

ગુજરાતમાં આગામી મંગળવારે નલિયા–પોરબંદર વચ્ચે ટૉકટે વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના છે. એના કારણે કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગરના દરિયાઈ વિસ્તાર પર વાવાઝોડાની અસર થશે. ગુજરાત સરકારે નો કૅઝ્યુલ્ટી કન્સેપ્ટ સાથે વાવાઝોડાને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી હોવાનું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે કહ્યું હતું.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે ‘કોરોનાની વર્તમાન સ્થિતિમાં પણ સમસ્યા છે. દરિયાઈ જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થશે. આ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોવિડના દરદીઓ સારવાર લઈ રહ્યા છે. આ દરદીઓ અને ગંભીર દરદીઓને તકલીફ ન પડે અને સારવાર ચાલુ રહે એ માટે હૉસ્પિટલોને સૂચના આપી છે.’

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે ‘એનડીઆરએફની ૨૪ ટીમની ભારત સરકારે મદદ માગી છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ ગુજરાતની ચિંતા કરી રહ્યા છે અને મદદ કરી રહ્યા છે. એનડીઆરએફની ૨૪ ટીમ, એસડીઆરએફની ૧૦ ટીમ તેમ જ બીએસએફની ટીમોને સાબદી કરવામાં આવી છે’

કચ્છ, ગીર સોમનાથ, વલસાડ, દેવભૂમિ દ્વારકા સહિતનાં દરિયાકાંઠાનાં ગામોને અલર્ટ કરાયાં છે.

૧૪૫થી ૧૬૦ની ઝડપે પવન ફૂંકાશે 
ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે એમાં વિન્ડની ૧૪૫થી ૧૫૦થી લઈને ૧૬૦ કિલોમીટરની સ્પીડ પર અવર રહેવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની સંભાવના છે. એની સાથોસાથ દિવ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, મોરબી જિલ્લાઓમાં પણ એની ઇમ્પૅક્ટ રહેવાની શક્યતા છે.

કોરોના, મ્યુકરમાઇકોસિસ અને હવે વાવાઝોડાની ચિંતા
અમદાવાદ–ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે એવામાં મ્યુકરમાઇકોસિસે દેખા દીધા છે અને હવે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાથી ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતના નાગરિકોની છેલ્લા એક વર્ષથી જાણે કે દશા બેઠી હોય એમ એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી કોરોના જવાનું નામ લેતો નથી. એમાં પણ કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક બની ગઈ છે. આટલું ઓછું હોય એમ મ્યુકરમાઇકોસિસ ગુજરાતમાં જાણે કે ભરડો લઈ રહ્યું છે અને એના કેસ પણ નોંધાઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાતના નાગરિકો પર વાવાઝોડાની ઘાત આવવાની સંભાવના છે.

Gujarat Rains gujarat ahmedabad shailesh nayak porbandar