સાડાપાંચસો વર્ષ જૂના ઐતિહાસિક ને પૌરાણિક ધાર્મિક સ્થળ ઘેલા સોમનાથની થશે કાયાપલટ

02 July, 2025 11:28 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

સૌરાષ્ટ્રમાં આવેલું અને શિવભક્તોના હૃદયસ્થ એવું આ પ્રાચીન ધાર્મિક સ્થળ લેઝર લાઇટથી ઝળહળશે

ઘેલા સોમનાથ મંદિર પરિસરનું મૉડલ, ઘેલો નદી પરિસર પણ આ રીતે ડેવલપ કરવામાં આવશે

સૌરાષ્ટ્રમાં આવેલા સાડાપાંચસો વર્ષ જૂના ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળ ઘેલા સોમનાથ મંદિર પરિસરની કાયાપલટ થવા જઈ રહી છે. અહીં લેઝર લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે જેના પગલે આવનારા સમયમાં શિવભક્તોનું હૃદયસ્થ એવું આ ધાર્મિક સ્થળ લેઝર લાઇટથી ઝળહળશે.

ગુજરાતમાં આવેલાં ધાર્મિક સ્થળોના નવીનીકરણ માટે ગુજરાત સરકાર આગળ આવી છે. એમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં સોમપિપલિયા ખાતે ઘેલો નદી પાસે આવેલાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરસમાં ધાર્મિક સ્થળોના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર તેમ જ મંદિરમાં ભગવાન સોમનાથદાદાનાં દર્શન કરવા આવતા ધાર્મિકજનો માટે સુવિધા કરવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ૬ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરાશે. ઘેલા સોમનાથ મંદિર નવીનીકરણ અને આધુનીકરણ પ્રોજેક્ટ હેઠળ લેઝર લાઇટ ઍન્ડ સાઉન્ડ શો માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય મંદિરનો કાયાકલ્પ-જીર્ણોદ્ધાર કરવામાં આવશે. મંદિરના મુખ્ય દ્વાર પાળિયા સમાધિનો જીર્ણોદ્ધાર કરાશે. શ્રદ્ધાળુઓ માટે બેઠકવ્યવસ્થા, મંદિર-પરિસર આસપાસ પાકા માર્ગો, લૅન્ડસ્કેપિંગ, બગીચા કરવા ઉપરાંત યજ્ઞશાળાનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત ઘેલા સોમનાથ મહાદેવ સંકુલમાં જન્મથી નિર્વાણ સુધીના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવતાં શિવ-શિલ્પોનાં વિવિધ સ્વરૂપોના પથ્થરનાં ચિત્રપટ, વૉલમાં શણગારાત્મક પથ્થરની કમાન તથા શિવ-મહાત્મ્યનું ચિત્રપટ-પેઇ​ન્ટિંગ તૈયાર કરવામાં આવશે.

somnath temple gujarat gujarat news religion religious places hinduism gujarat government news history